નડિયાદ,તા.૭
અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના બાજકપુરા પાટિયા પાસે આજે વહેલી સવારે એક ક્રૂઝર ગાડી રોડની સાઈડે ઊભેલી લોખંડ ભરેલ ટ્રક પાછળ અથડાઈ હતી. આ સર્જાયેલ અકસ્માતમાં ક્રૂઝર ગાડીમાં પોતાના વતન પરત જતાં મધ્યપ્રદેશના ૧૩ મજૂરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે નવ વ્યક્તિને ઈજા થતા તેમને સારવાર માટે દાખલ કર્યા છે. આ લખાય છે ત્યારે હજી ૧૧ મજૂરોની જ ઓળખ થઈ છે. જ્યારે મરનાર ત્રણ વણ ઓળખાયેલા હોય કઠલાલ પોલીસ તેમના ઓળખના પ્રયત્નોમાં લાગી છે. ધંધુકા પંથકમાં ખેત મજૂરીએ આવેલા મજૂરોના અકસ્માતમાં મોતને લઈ ચકચાર મચી છે. આ અંગે મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વિવિધ ગામના કેટલાક વ્યક્તિઓ પરિવાર સાથે છેલ્લા ચાર-પાંચ મહિનાથી ધંધુકા પંથકમાં ખેત મજૂરી માટે આવ્યા હતા. ધંધુકા પંથકના સાલાસર તેમજ આજુબાજુના ગામમાં રહી ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. ગુડ્ડુ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના સેજાવાડામાં રહે છે. તે ચાર માસ અગાઉ તેની પત્ની કાળીબેન, સસરા ભાવસિંગ ડામોર તથા સાસુ રેવાબેન સાથે અન્ય માણસો ગુજરાત રાજ્યના ધંધુકા નજીક સાલાસર ગામે ખેત મજૂરીએ આવતા હોય તે પણ તેમની સાથે આવ્યા હતા. અલગ અલગ પરિવાર સાલાસર ગામના આજુબાજુ આવેલા ગામમાં રહી ખેત મજૂરી કરતા હતા. તેમની ફોઈ સાસુ સુનડિબેન ગુજરી ગયાના સમાચાર વતનમાંથી મળ્યા હતા. આજુબાજુના ગામમાં મજૂરીએ આવેલા તેમના સમાજના લોકોને પણ આ મરણનો સંદેશો મોકલાવતા તેઓ પણ મરણ પ્રસંગમાં આવવા તૈયાર થયા હતા નક્કી થયા મુજબ વિવિધ ગામમાં મજૂરીએ આવેલા સમાજના લોકો રાત્રિના ૧૦ઃ૦૦ વાગે ધંધુકા ગામે ભેગા થયા હતા. તપાસ કરતા ધંધુકાની એક હોટલ પાસે ક્રૂઝર ગાડી નં.એમપી૬૯-બી-૦ર૦૭ નંબરની પડી હતી. આ ક્રૂઝર ગાડી આજે વહેલી સવારે ખેડા જિલ્લાની હદમાં પ્રવેશી હતી. કઠલાલ તાલુકાના બાજકપુર પાટિયા પાસે આવી તે વખતે રોડની સાઈડે લોખંડ ભરેલ ટ્રક નં.જીજે-૦૭ટીટી-૭૪રપ ઊભી હતી. ક્રૂઝર ગાડીના ચાલકે આ ઉભેલી ટ્રક પાછળ પોતાની ગાડી ઠોકી દેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને લઈ ક્રૂઝર ગાડી લોચો વળી ગઈ હતી. ક્રુઝર ગાડીના ધક્કાથી ઊભેલી ટ્રક ૪પ ફૂટ દૂર ધકેલાઈ ગઈ હતી. તેમાં બેઠેલા ઈજાગ્રસ્ત લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી. જેથી બાજુમાં આવેલા હનુમાન મંદિર નજીક રહેતા લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ૧૦૮ને ફોન કરી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે કઠલાલ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે મોતને ભેટેલ લોકોની લાશો બહાર કાઢી હતી. ક્રુઝર ગાડીની છાપરા પર સૂતેલા ગુડ્ડુ ધક્કાથી ફગોળાઈ જતા તેનો આબાદ બચાવ થયો હતો. ઘટના સ્થળે જ ૧૩ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે નવને ઈજા થઈ હતી. કઠલાલ પોલીસે ગુડ્ડુની ફરિયાદને લઈ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મરનાર કુલ ૧૩ પૈકી ૧૧ની ઓળખ થઈ છે. હજી ત્રણ વ્યક્તિઓ વણ ઓળખાયેલા છે. જેની ઓળખ માટે પોલીસે પ્રયત્નો હાથ ધર્યા છે.

અકસ્માતમાં મોતને ભેટનારાના નામ
રવિન્દ્રભાઈ નાથુજી ભૂરિયા (ઉ.વ.ર૭ રહે. ચંદ્રશેખર, આઝાદનગર, જિલ્લો-અલીરાજપુર મધ્યપ્રદેશ), કાળીબેન ગુડ્ડુ ઉર્ફે ગુડિયો નવલ (ઉ.વ.૧૯ રહે. સોમવાડા, મધ્યપ્રદેશ), રેવાબેન ભાવસિંહ ડામોર (ઉ.વ.૪પ રહે. કાસટ તા.ભાભર), સવિબેન વાલચંદ ડામોર (ઉ.વ.૧૮ રહે. કાસટ), વર્દીબેન વરૂભાઈ માવડા (ઉ.વ.૪પ રહે, ખડામોજા તા.ભાભર), ભાવસિંહ ડામોર (ઉ.વ.પ૦ રહે. કાસટ), વર્ષાબેન ભાલચંદ હરિયા ડામોર (ઉ.વ.૭ રહે. કાસટ), સવિતાબેન માનાભાઈ ગલિયા ડામોર (ઉ.વ.૪૦ રહે. કાસટ), સુરેશ છતરિયા વસુનિયા (ઉ.વ.૪પ રહે. જવાનિયા તા.ભાભરા), રેનુબેન સુરેશભાઈ છતરિયા વસુનિયા (ઉ.વ.૪૦ રહે. જવાનિયા તા, ભાદરા), મહોબતસિંહ ડામોર (ઉ.વ.૩પ રહે. જવાનિયા તા, ભાદરા) તેમજ અન્ય બે ઈસમોના ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.