(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
સુપ્રીમ કોર્ટે આજે કઠુઆ બળાત્કાર હત્યા કેસની ટ્રાયલ ૭મી મે સુધી સ્થગિત કરવા આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે કેસ ટ્રાન્સફર કરવા અને તપાસ સીબીઆઈને સોંપવા મુદ્દો દાખલ થયેલ અરજીઓને ધ્યાનમાં રાખી સીબીઆઈને સોંપવા મુદ્દે દાખલ થયેલ અરજીઓને ધ્યાનમાં રાખી નિર્ણય કર્યો હતો. સુપ્રીમ કોર્ટની બેચના જજો સીજેઆઈ દિપક મિશ્રા, જજ ચંદ્રચૂડ અને જજ ઈન્દુ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, કોર્ટ પીડિતાના પિતાની અરજી ઉપર વિચારણા કરશ. જેમણે ટ્રાયલ ચંદીગઢ ટ્રાન્સફર કરવા વિનંતી કરી છે અને આરોપીએ તપાસ સીબીઆઈથી કરાવવા માગણી કરી છે. સુનાવણી દરમિયાન વકીલો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. પીડિત તરફે હાજર રહેલ વકીલ જયસિંગે કહ્યું કે, કેસને ચંદીગઢ ટ્રાન્સફર કરવામાં આવે કારણ કે એ કઠુઆની નજીક છે અને કઠુઆમાં ટ્રાયલ ચલાવવા અવરોધો થવાની શક્યતાઓ છે. પોલીસને કાર્યવાહી કરવા અટકાવવામાં આવી રહ્યા છે. જજને પણ ધમકીઓ આપવાના પ્રયાસો કરાયા હતા. વકીલોએ ક્રાઈમ બ્રાન્ચને ચાર્જશીટ દાખલ કરવા રોકયા હતા જે રાજ્ય સરકારના સોગંદનામાથી ફલિત થાય છે. આરોપીના વકીલ ચૌધરીએ કહ્યું કે અમને પોલીસની તપાસમાં વિશ્વાસ નથી જેથી તપાસ સીબીઆઈને સોંપવી જોઈએ. સ્થાપિત હિતોએ આરોપીઓને ખોટી રીતે સંડોવ્યા છે અને ખરા આરોપીઓ બીજા છે. રાજ્ય સરકાર વતી રજૂઆત કરતા એ.જી.એ સીબીઆઈ તપાસનો વિરોધ કર્યો અને કહ્યું કે ક્રાઈમ બ્રાન્ચની સીટ તપાસ કરી રહી છે. એમણે કહ્યું કે ટ્રાયલને કઠુઆ અને જમ્મુના બદલે જમ્મુ-કાશ્મીરના જ અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરી શકાય છે. અન્ય રાજ્યમાં નહીં કારણ કે રર૯ સાક્ષીઓના નિવેદનો લેવાયા છે જે મોટાભાગે ઉર્દૂમાં છે. સરકારના અન્ય વકીલ આલમે જણાવ્યું કે, જે એન્ડ કેના પોતાના ફોજદારી કાયદાઓ છે, ચંદીગઢમાં કેસ ટ્રાન્સફર કરવાથી અમુક અન્ય મુદ્દાઓ પણ ઊભા થશે. કેન્દ્ર સરકાર તરફે રજૂઆત કરતાં વકીલે કહ્યું કે અમે દરેક પ્રકારની મદદ કરવા તૈયાર છીએ પણ એનું નિર્ણય છેવટે રાજ્ય સરકારે કરવાનું છે.