(એજન્સી)
નવી દિલ્હી, તા. ૮
સમગ્ર દેશને હચમચાવી નાખનાર જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ૮ વર્ષની બાળા પર વારંવાર ગુજારવામાં આવેલા સામુહિક બળાત્કાર બાદ તેની નિર્દયી રીતે હત્યા કરવાના કેસમાં મહત્વના સાક્ષી તાલિબ હુસેનેની એક બનાવટી રેપ કેસમાં ગત સપ્તાહે ધરપકડ કરવામાં આવી હતી. સમ્બા પોલીસ લોકઅપમાં પોલીસ દ્વારા તાલિબ હુસેનને ભારે માર મારવાવામાં આવતા તેમની ખોપરી ભાંગી જતા સમ્બાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાલિબ હુસેનની પિતરાઇ બહેને પોલીસ કસ્ટડીમાં તાલિબ હુસેન પર ભારે ત્રાસ ગુજારવા બદલ સુપ્રીમકોર્ટમાં દાખલ કરેલી અરજી પર જમ્મુ અને કાશ્મીર સરકારને નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમકોર્ટે જમ્મુ અને કાશ્મીર સરકાર પાસે આ નોટિસનો એક સપ્તાહમાં જવાબ માગ્યો છે. હવે આ મામલાની આગામી સુનાવણી ૨૧મી ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.
સુપ્રીમકોર્ટનાં વકીલ ઇન્દિરા જયસિંહે એવું ટિ્‌વટ કર્યું છે કે રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં તાલિબ હુસેન પર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલો ત્રાસ લોકશાહીમાં સ્વીકારી શકાય નહીં. તાલિબ હુસેનને પિતરાઇ બહેન દ્વારા સુપ્રીમકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં સામાજિક કાર્યકર તાલિબ હુસેન પર ગુજારવામાં આવેલા ત્રાસ સામે અરજીની તાકીદે સુનાવણી કરવાની માગણી કરવામાં આવી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે તાલિબ હુસેનને ગેરકાનૂની રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. તાલિબને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.
સુપ્રીમકોર્ટે અરજદારને પૂછ્યું કે તમે પૂરવાર કરો કે તાલિબ હુસેનની ગેરકાનૂની રીતે અટકાયત કરવામાં આવી છે. જવાબમાં અરજદાર તરફથી જણાવવામાં આવ્યું કે મહિલાની ફરિયાદ પર તાલિબની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક એફઆઇઆર પર તાલિબને આગોતરા જામીન મળ્યા છે. સુપ્રીમકોર્ટે જણાવ્યું કે જો કાયદા મુજબ ધરપકડ કરાઇ છે તો તેના મુજબ કાયદો કામ કરશે. અરજદાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી કે તેઓ તાલિબ હુસેનની મુક્તિ માટે આવ્યા નથી પરંતુ પોલીસ કસ્ટડીમાં ટોર્ચર અંગે આવ્યા છે.