(એજન્સી) શ્રીનગર, તા.૧૮
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ એન.એન.વોરાએ આજે બાળકીઓ ઉપર બળાત્કાર કરનારાઓને મૃત્યુદંડની સજાની જોગવાઈ કરતો વટહુકમ બહાર પાડ્યો હતો. રાજ્ય અને દેશમાં મહિલાઓ અને બાળકીઓ સામે વધી રહેલ હિંસક અને જાતીય હુમલાઓને રોકવાના હેતુથી કડક સજાની જોગવાઈ કરતો વટહુકમ બહાર પડાયો છે. આના માટે જમ્મુ-કાશ્મીરના ફોજદારી કાયદાઓને સુધારવામાં આવ્યો છે. જેમાં રનબીર પેનલ કોડ સંવત ૧૯૮૯(ર) ફોજદારી કાર્યરીતિનો કાયદો સંવત ૧૯૮૯ અને (૩) પુરાવાનો કાયદો – સંવત ૧૯૭૭ છે.
આ વટહુકમની મુખ્ય જોગવાઈઓ આ મુજબ છે.
૧. ૧૬ વર્ષથી ઓછી ઉંમરની યુવતી સાથે બળાત્કાર કરનારને ર૦ વર્ષની સજા જેને જન્મટીપ સુધી વધારી શકાશે. જન્મટીપ અર્થાત-વ્યક્તિ જીવે ત્યાં સુધીની સજા.
ર. ૧ર વર્ષથી ઓછી વયની બાળકીઓ ઉપર બળાત્કારની સજા માટે મૃત્યુદંડની જોગવાઈ કરાઈ છે.
૩. ૧૬ વર્ષથી ઓછી વયની યુવતી ઉપર ગેંગરેપની સજા ર૦ વર્ષ જેને લંબાવી જન્મટીપમાં વધારી શકાશે.
૪. ૧ર વર્ષથી ઓછી વયની બાળકી ઉપર ગેંગરેપની સજા પણ મૃત્યુદંડ કરાઈ છે.
પ. આ કેસોની તપાસ બે મહિનામાં પૂર્ણ કરવાની રહેશે.
૬. કેસની ટ્રાયલ ૬ મહિનામાં પૂર્ણ કરવાની રહેશે અને જો વિલંબ થાય તો એના લેખિત કારણે હાઈકોર્ટને જણાવવાના રહેશે.
૭. સરકારી વકીલને સાંભળ્યા વિના જામીન આપવામાં આવશે નહીં.
જમ્મુ અને કાશ્મીર પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકયુઅલ વાયોલેન્સ ઓર્ડિનેન્સ ર૦૧૮ના મુખ્ય મુદ્દાઓ અને ઉદ્દેશ્યો આ મુજબ છે.
૧. આ એક સંપૂર્ણ કાયદો છે અને સાથે બાળકોને જાતીય હુમલાઓ જાતીય ત્રાસ અને પોર્નોગ્રાફીથી રક્ષણ આપશે.
ર. આ વટહુકમ દ્વારા જાતીય ગુનાઓ માટે વૈકલ્પિક સજા આપવામાં આવશે જે ગુનાઓ અન્ય કાયદાઓમાં આવરી લેવામાં આવ્યા નહીં હોય.
૩. વટહુકમમાં ન્યાયિક પ્રક્રિયાની કાર્યવાહી સરળ બનાવવા ઉપર ભાર મૂકાયો છે જેથી બાળકો ઉપર માનસિક તણાવ ઊભો નહીં થાય.
૪. વટહુકમ દ્વારા ટ્રાયલ જલ્દી ચલાવવા માટે સ્પેશિયલ કોર્ટ રચવાની પણ જોગવાઈ કરાઈ છે.
પ. શૈક્ષણિક સંસ્થાઓએ ફરજિયાતપણે બાળકોની સુરક્ષા કરવાની રહેશે જેથી એમનો જાતીય દુરૂપયોગ નહીં થઈ શકે.