(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ૮ વર્ષીય બાળકી ઉપર બળાત્કાર અને હત્યા કેસના સાક્ષીઓ સહિત શર્મા અને અન્ય બે સાક્ષીઓએ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી સુરક્ષાની માગણી કરી છે. સુપ્રીમકોર્ટે અરજીની તાત્કાલિક સુનાવણી કરવા સંમતિ આપી છે અને બુધવારે સુનાવણી હાથ ધરશે. અરજીમાં માગણી કરાઈ છે કે, એમને કેન્દ્રીય સુરક્ષા બળ દ્વારા સુરક્ષા આપવામાં આવે. એ પણ માગણી કરાઈ છે કે આ કેસની તપાસ કોઈ અન્ય સ્વતંત્ર એજન્સીથી કરાવવામાં આવે. આ ત્રણેય સાક્ષીઓ આરોપી વિશાલ સાથે ભણે છે. ત્રણેય વિદ્યાર્થીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસ ઉપર ત્રાસ ગુજારવાના આક્ષેપો મૂકયા છે. અરજીમાં આક્ષેપ મૂકાયો છે કે અમને પોલીસ પોતાનું નિવેદન બદલવા દબાણો કરી રહી છે. એ સાથે એમણે પ૦ લાખ વળતરની પણ માગણી કરી છે. કોર્ટ સમક્ષ માગણી કરી છે કે, જમ્મુ-કાશ્મીર ક્રાઈમ બ્રાન્ચને નિર્દેશો આપે કે એમને કોઈ નુકસાન કરવામાં નહીં આવે. આ પહેલાં સુપ્રીમકોર્ટે આ કેસને પઠાણકોટમાં ટ્રાન્સફર કરવા આદેશ આપ્યો હતો પણ સીબીઆઈ તપાસની માગણી મંજૂર ન કરી હતી. મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે ‘ફેયર’ અને ‘ફિઅર’ એક સાથે અસ્તિત્વ ધરાવી નહીં શકે અને ‘ફેયર’ અને ‘ટ્રાયલ’નો અર્થ ઝડપી ટ્રાયલ પણ છે. ટ્રાયલ પ્રતિદિવસે થવી જોઈએ જેમાં મુદ્દતો પાડવામાં નહીં આવે. ટ્રાયલ ઈન કેમેરા થશે અને સુપ્રીમકોર્ટ એની ઉપર નિગરાની રાખશે. બધા નિવેદનો અંગ્રેજીમાં અનુવાદો કરી રજૂ કરવા અને ટ્રાયલ રણબીર પેનલ કોડ હેઠળ ચાલશે.