(એજન્સી) હીરાનગર, તા.ર૩
વિશ્વભરમાં ચર્ચા જગાવનાર આસિફા સામૂહિક બળાત્કાર અને હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા આઠ લોકોની ધરપકડને ‘ડોગ્રેસ’ના મોભા અને સન્માન સાથે જોડી બસોલીથી ભાજપના સાંસદ અને જંગલ ખાતાના પૂર્વ પ્રધાન લાલસિંહે જમ્મુના નેતાઓને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, લોકોની લાગણીઓનું ધ્યાન રાખવામાં આવે. લાલસિંહે કઠુઆ જિલ્લાના હીરાનગરમાં લાખનપુરથી કૂતાહ મોર્ક સુધી ૩પ કિમી લાંબી રેલી યોજી હતી અને સરકારની તાકીદ કરી હતી કે તે પોતાની ભૂલો સુધારે લાલસિંહ આટલેથી ન અટકતા સરકારને વધુ પડકાર ફેંકતા ચીમકી આપી હતી કે આ તો માત્ર “ટ્રેલર” છે જો રાજ્ય સરકાર પોતાનું વલણ નહીં સુધારે તો આનાથી વિશાળ રેલીનું આયોજન કરાશે, અને ત્યારબાદ અમે જમ્મુ બંધનું એલાન આપીશું.
લાલસિંહે જણાવ્યું હતું કે, અમે ટૂંક સમયમાં જમ્મુના અગ્રણી લોકોની એક બેઠકનું આયોજન કરીશું અને ત્યારબાદ નિર્ણય જાહેર કરીશું. કાશ્મીરના શાસક અને વિરોધ પક્ષોના નેતાઓને નિશાન બનાવતા તેમણે જણાવ્યું હતું કે, જ્યારે ચાર કાશ્મીરી લોકો ભેગા થાય છે તો તેઓ હલ્લાબોલ કરે છે. પથ્થરો ફેંકે છે અને શ્રદ્ધાળુઓની હત્યા કરે છે જો તમે કાશ્મીરના નેતાઓ છો તો શું તમે અમારી જેમ ત્યાં રેલીઓ યોજી શકો છો ? મે જમ્મુમાં ર૯૦ રેલીઓ યોજી છે. લાલસિંહે હિન્દુ એકતા મંચનું નામ બદલી ડોગ્રા એકતા મંચ રાખ્યું હતું.
લાલસિંહે જણાવ્યું હતું કે, હીરાનગરના તમામ ગામોના પૈકી પ૦ લોકોની યાદી નક્કી કરાશે. જેઓ વારાફરતી ર૪ કલાક ધરણાં પર બેસશે. તેમણે જણાવ્યું હતું કે, ડોગ્રા સમુદાયને બળાત્કારી કે ગુનેગાર ગણવામાં આવશે તો અમે જરા પણ ચલાવી લઈએ નહીં. જમ્મુના લોકોનો એક ઈતિહાસ રહ્યો છે. કાશ્મીરના લોકોનો ઈતિહાસ કાળી શાહીથી લખાશે.