(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
જમ્મુના કઠુઆમાં થયેલાં દુષ્કર્મ મામલે નવો વળાંક આવ્યો છે. ફોરેન્સિક મેડિકલના વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ ૮ વર્ષની પીડિતાને બંધક બનાવવામાં આવી તે દરમિયાન નશીલી દવાઓનો ઓવરડોઝ આપવામાં આવ્યો હતો, જેના કારણે તે હત્યા પહેલાં કોમામાં જતી રહી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં ૮ વર્ષની બાળકી પર કેટલાંક લોકોએ અનેક દિવસ સુધી દુષ્કર્મ કર્યું હતું.
જમ્મુ કાશ્મીર પોલીસની ક્રાઈમ બ્રાંચ આ ગેંગ રેપ અને મર્ડર કેસની તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાંચે પીડિતાને મન્નાર કેન્ડી (સ્થાનિક ગાંજો) અને ૦.૫ એમજી ઈસ્પિટ્રિલ ટેબલેટ અપાઈ છે કે નહીં તેની તપાસ માટે તેના શરીરમાંથી નીકળેલા કેટલાંક અવશેષને આ મહિને ફોરેન્સિક લેબમાં મોકલ્યા હતા. ક્રાઈમ બ્રાંચને મોકલવામાં આવેલા રિપોર્ટ મુજબ ૮ વર્ષીય પીડિતાને જે ટેબલેટ આપવામાં આવી હતી તેના કારણે તે કોમામાં ચાલી ગઈ હતી.
ક્રાઈમ બ્રાંચે મેડિકલ વિશેષજ્ઞો પાસેથી ૮ વર્ષની પીડિતાને ખાલી પેટે આ દવાને આપવાથી થતી અસર અંગે સલાહ માંગી હતી. ક્રાઈમ બ્રાંચે આવી સલાહ ત્યારે માગી જ્યારે આરોપીઓના વકીલે બચાવમાં એવી દલીલ કરી હતી કે, “તે વાત અસંભવ છે કે આ પ્રકારના ખતરનાક હુમલા બાદ પીડિતાએ બૂમો પાડીને મદદ ન માંગી હોય.
ડોકટરોએ મૃતક પીડિતાના શરીરમાંથી નીકળેલા કેટલાંક અવશેષોની તપાસ કરતાં કહ્યું હતું કે, પીડિતાને ક્લોનાજેપેમ સોલ્ટ આપવામાં આવ્યું જે માત્ર કોઈને તેની ઉંમર અને વજનને જોતાં મેડિકલ તપાસ હેઠળ જ આપી શકાય છે.