(એજન્સી) તા.૬
જમ્મુ-કાશ્મીર પોલીસની ક્રાઇમ બ્રાંચે પોતાની વૈજ્ઞાનિક તપાસના આધારે જણાવ્યું છે કે કઠુઆમાં ૮ વર્ષની બાળકી સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી વિશાલ જંગોત્રા આ ઘટના સમયે મેરઠમાં હતો એવો તેને દાવો ખોટો છે. પઠાણકોટની જિલ્લા અને સેશન્સ કોર્ટે વિશાલ, તેના એક સગીર સંબંધી, તેના પિતા સાંઝીરામ અને સ્પેશિયલ પોલીસ ઓફિસર દીપક ખજૂરિયા ઉર્ફે દિપુ વિરુદ્ધ બળાત્કાર અને હત્યાના ઓરોપો ઘડ્યા છે.
અત્રે ઉલ્લ્ખનીય છે કે વિશાલ ઉ. પ્ર.ની મેરઠ જિલ્લાની એક કોલેજમાં કૃષિ ક્ષેત્રમાં સ્નાતકનો અભ્યાસ કરી રહ્યો છે. ચાર્જશીટમાં જણાવાયું છે કે બાળકી સાથે બળાત્કારના આરોપી વિશાલે કહેવાતી રીતે પોતાના પિતાની મિલીભગત અને મદદથી રેકોર્ડમાં ચેડાં તેમજ નકલી પુરાવા તૈયાર કરીને પોતે ઘટના સ્થળે હાજર નહીં હોવાનો દાવો કર્યો હતો. ક્રાઇમ બ્રાંચ દ્વારા દાખલ કરવામાં આવેલ ચાર્જશીટ અનુસાર મુખ્ય આરોપી સાંઝીરામના પુત્ર વિશાલની ઉત્તરવહી અને સાથે જ હાજરીપત્રકને હસ્તાક્ષર નિષ્ણાતો પાસે મોકલવામાં આવ્યા હતા. તેમાં જણાવાયું છે કે નિષ્ણાતોના અભિપ્રાય મુજબ ૧૨ અને ૧૫ જાન્યુ.ની હાજરીના દસ્તાવેજોમાં વિશાલના હસ્તાક્ષર તેના મૂળ હસ્તાક્ષર સાથે મેચ થતા નથી.
ચાર્જશીટમાં જણાવ્યું છે કે ફોરેન્સિક રિપોર્ટ પરથી હાજરીના દસ્તાવેજમાં ચેડાં કર્યા હોવાનો સ્પષ્ટ સંકેત મળે છે અને આ એ હકીકત તરફ ઇશારો કર્યો છે કે આરોપીને ઉત્તરવહી સુધી પહોંચ આપવામાં આવી હતી. ચાર્જશીટ અનુસાર એ વાત પુરવાર થઇ છે કે આરોપી ૧૨ અને ૧૫ જાન્યુ.ની પરીક્ષા દરમિયાન હાજર ન હતો અનેે તેણે હાજરીપત્રમાં ચેડાં કર્યા છે અને સ્વયંને કાયદાની ચુંગાલમાંથી બચાવવા માટે પરીક્ષામા હાજર હોવાનો પુરાવો તૈયાર કરવા જણાવાયું હતું. આ કેસમાં સુપ્રીમકોર્ટના પઠાણકોટના જિલ્લા અને સેશન્સ કોર્ટમાં તેની સુનાવણી ચાલી રહી છે.