(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
સુપ્રીમ કોર્ટે કઠુઆ ગેંગરેપના બે મુખ્ય આરોપીઓની અરજી સાંભળવા સંમતિ આપી હતી જેમાં એમણે કેસને કઠુઆથી ચંદીગઢ ટ્રાન્સફર કરવાની માગણી સામે વિરોધ નોંધાવ્યો હતો. પીડિતાના પિતાએ કેસ ટ્રાન્સફર કરવાની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાયિક અને યોગ્ય ટ્રાયલ થવી જોઈએ એ છે. જો અમને જરા પણ એવું દેખાશે કે ટ્રાયલ વ્યવસ્થિત નથી થઈ રહી તો અમે કેસને ટ્રાન્સફર કરવા આદેશો આપીશું.
બેંચના અન્ય જજોએ પણ કહ્યું કે, નિષ્પક્ષ ટ્રાયલ ફક્ત આરોપીઓ માટે જ નહીં પણ પીડિતના કુટુંબના અને એમના વકીલના રક્ષણ માટે પણ જરૂરી છે. વકીલોએ ચાર્જશીટ દાખલ કરતી વખતે જે અવરોધો ઊભા કર્યા હતા. એ બાબતે કોર્ટે કહ્યું કે, જો વકીલોનો દોષ હશે તો એમની સામે કાયદા મુજબ પગલાં લેવામાં આવશે. કેસના મુખ્ય આરોપી સાંજીરામ અને એમના પુત્રે તપાસ સીબીઆઈ પાસેથી કરાવવા માગણી કરી હતી એ સાથે પીડિતાના પિતાએ દાખલ કરેલ અરજીમાં પક્ષકાર બનાવવા પણ માગણી કરી હતી.
બંને આરોપીઓએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અમને ખોટી રીતે કેસમાં સંડોવાયા છે. એમણે કહ્યું કે અમે અરજદારો, યોગ્ય પક્ષકારો છે કારણ કે અમારા હિત અને અધિકારો ઉપર આ રિટના ચુકાદાથી અસર થશે. એના માટે ગુનાની તપાસ પારદર્શક, યોગ્ય અને ન્યાયિક થવી જોઈએ જેમાં કોઈપણ પ્રકારનો પૂર્વગ્રહ નહીં હોવો જોઈએ. કેસના ટ્રાન્સફર બાબત જણાયું કે ફક્ત ફરિયાદીની સુવિધા માટે કેસને ટ્રાન્સફર ન કરવો જોઈએ. પણ કોર્ટે આરોપીઓ, ફરિયાદ પક્ષના સાક્ષીઓ અને સમાજના હિતને પણ ધ્યાનમાં રાખવું જોઈએ.