(એજન્સી) પઠાણકોટ, તા.૧૦
સમગ્ર દેશને હચમચાવી નાખનાર જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં ૮ વર્ષની નિર્દોષ બાળા આસિફા પર ગેંગરેપ અને તેની નિર્દયી રીતે કરવામાં આવેલી હત્યાના કેસમાં પંજાબમાં પઠાણકોટની સેશન્સ કોર્ટે ત્રણ દોષિત – દીપક ખજુરીયા, સાંજી રામ અને પ્રવેશ કુમારને આજીવન કારાવાસની સજા ફટકારી છે અને તેમને કોર્ટે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જ્યારે પુરાવાઓ સાથે ચેડા કરનારા અન્ય ત્રણ દોષિત પોલીસ કર્મચારીઓને કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી છે. અગાઉ, સવારે હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં પઠાણકોર્ટની સેશન્સ કોર્ટે ૭માંથી ૬ આરોપીઓને દોષિત ઠરાવ્યા હતા. આ કેસમાં મુખ્ય ષડયંત્રકાર સાંજી રામ, પરવેશ કુમાર, બે વિશેષ પોલીસ અધિકારી – દીપક ખજુરીયા અને સુરેન્દ્ર શર્મા, હેડકોન્સ્ટેબલ તિલક રાજ અને એસઆઇ આનંદ દત્તા સામેલ છે. કોર્ટમાં આસિફાના પરિવારનું પ્રતિનિધિત્વ કરનાર ફારૂકી ખાને જણાવ્યું કે મુખ્ય આરોપી સાંજી રામનો પુત્ર અને સાતમો આરોપી વિશાલે ‘શંકાનો લાભ’ આપીને દોષમુક્ત જાહેર કરાયો છે. આ કેસનો ૮મો આરોપી આ ઘૃણાસ્પદ ઘટના વખતે સગીર વયનો હોવાની અરજી જમ્મુ અને કાશ્મીર હાઇકોર્ટમાં હાલમાં પડતર છે.
આ કેસમાં ફરિયાદ પક્ષના વકીલોમાં સામેલ જેકે ચોપડા, એસએસ બસરા અને હરમિંદરસિંહે એક નિવેદનમાં જણાવ્યું કે અમે ચુકાદોનો અભ્યાસ કરીશું અને દોષમુક્ત જાહેર કરાયેલા સાતમા આરોપી સામે અપીલ કરી શકાય છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ‘અમે હત્યા અને સામુહિક બળાત્કારના ત્રણ દોષિતને મૃત્યુદંડની માગણી કરી છે.’
સુપ્રીમકોર્ટે આ કેસને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર પછી જૂન ૨૦૧૮ના પ્રથમ સપ્તાહમાં ખટલો શરૂ થયો હતો અને તેનું રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશને હચમચાવીી નાખનાર આ કેસનો માસ્ટરમાઇન્ડ ગામનો સરપંચ સાંજી રામ હતો.
દેશને સ્તબ્ધ કરનાર આ મામલામાં બંધ રૂમમાં સુનાવણી ૩જી જૂને પુરી થઇ ગઇ હતી. તે વખતે જિલ્લા અને સેશન્સ જજ તેજિંદરસિંહે ૧૦મી જૂને ચુકાદો આપવાની જાહેરાત કરી હતી. ચુકાદો સંભળાવવાનો હોવાની બાબતને ધ્યાનમાં રાખીને કોર્ટ અને તેની આસપાસ ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
વકીલોએ જણાવ્યું કે ગામના મંદિરમાં આસિફા સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મંદિરની દેખભાળ કરનાર સાંઝીરામ, વિશેષ પોલીસ અધિકારી દીપક ખજુરીયા અને પ્રવેશ કુમારને રણબીર દંડ સંહિતાની ગુનાઇત ષડયંત્ર, હત્યા, સામૂહિક બળાત્કાર અને પુરાવાનો નાશ કરવા સાથે સંબંધિત કલમો હેઠળ દોષિત ઠરાવવામાં આવ્યા છે.
૨૦૧૮ની ૧૦મી જાન્યુઆરીએ બકરવાલ સમુદાયની ૮ વર્ષની માસૂમ બાળા આસિફાનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ૧૭મી જાન્યુઆરીએ તેનું વિકૃત શબ મળી આવ્યું હતું. આ સનસનાટીપૂર્ણ મામલા સામે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થયા હતા અને પીડિતા માટે ન્યાયની અપીલ કરવામાં આવી હતી. આ કેસમાં જમ્મુ અને કાશ્મીર પોલીસે ૧૫ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં ચોંકાવનારા ઘણા ખુલાસા થયા હતા.
આજે મારા માથેથી કલંક મટી ગયું : વકીલ દીપિકા રાજાવત
કઠુઆ રેપ કેસમાં પીડિત પક્ષ તરફથી વકીલ દિપીકા રાજાવતે આરોપીઓને દોષિત જાહેર કરતા ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આજે સચ્ચાઇની જીત થઇ છે. એવા તોફાની તત્વોની હાર થઇ છે જેમણે આઠ વર્ષની બાળકીના મોત પર દેશના ભાગલા પાડવાના પ્રયાસ કર્યા હતા. હું આખા દેશને અભિનંદન આપવા માગું છું આજે સમગ્ર દેશમાં તહેવાર છે. તેમણે કહ્યું કે, એવા પણ કેટલાક લોકો હતા જેમણે આ મામલાને કંઇક અલગ જ રૂપ આપવાો પ્રયાસ કર્યો હતો. એવો પ્રચાર કરાતો હતો કે આ કેસ લડીને મેં ભૂલ કરી છે. મારા પર આરોપ લગાવાયો કે હું માસૂમ હિંદુઓને ફસાવવા માગું છું. હું આજ સુધી આ આરોપો મારા માથા પર લઇને ફરતી હતી. પણ ઇશ્વરના ઘરે દેર છે પણ અંધેર નહીં. એજ રીતે આજે મારા માથેથી કલંક મટી ગયું છે.
અમે તેને દત્તક ના લીધી હોત તો આજે
તે જીવિત હોત : આસિફાના પિતા
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની આસિફા પર પાશવી બળાત્કારના કેસમાં આજે દોષિતોને સજા સંભળાવાઇ હતી. આસિફા સાનસાર પર્વત રહેનારા બકરવાલ બંજારા સમુદાયામાંથી હતી. પરિવારે તેને દત્તક લીધી હતી. બાળકીના પિતા આ ઘટનાને યાદ કરતા હજુ પણ કંપી જાય છે, તેઓ કહે છે કે, જો અમે તેને દત્તક ના લીધી હોત તો આજે તે જીવિત હોત. તેમને બદલો લેવો હતો તો કોઇ બીજાથી લઇ લેતા, એક નિર્દોષ બાળકીએ શું બગાડ્યું હતું. તેને તો એ પણ ખબર ન હતી કે, તેનો ડાબો હાથ કયો છે અને જમણો કયો. તેને એ પણ ખબર ન હતી કે, હિંદુ શું હોય છે અને મુસ્લિમ શું હોય છે.
Recent Comments