અમદાવાદ,તા.ર૧
રાજ્યભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. લોકો હાડ ધ્રુજવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. ત્યારે નલિયા ૫.ર અને કંડલા એરપોર્ટ વિસ્તાર ૮.ર ડિગ્રીના ઠારથી ઠુંઠવાયાની સાથે રાજ્યભરમાં પ્રથમ અને દ્વિતીય ક્રમના ઠંડા મથક બની રહ્યાં હતા. જો કે, ભુજમાં ૧૨ અને કંડલા પોર્ટ પર ૧૧ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાય હતું. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. વર્ષ ૧૯૬૪માં નલિયાનું સૌથી ઓછુ તાપમાન ૦.૬ ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં પારો ગગડવાનો ક્રમ ચાલુ રહેતાં નીચું તાપમાન ૫ ડિગ્રીએ અટક્યું હતું જેના લીધે નગરજનો ઠારમાં ઠુંઠવાયા હતા. દર શિયાળે શીત નગરમાં ફેરવાતા અબડાસા તાલુકાના આ મુખ્ય મથકમાં ઠારનો માર વધતાં દિવસે પણ બજારોમાં નહિવત અવરજવર જોવા મળી હતી. રાત્રે લોકો તાપણાના સહારે ઠંડી ઉડાડતા જોવા મળ્યા હતા. હવામાન વિભાગમાંથી મળતી વિગતો મુજબ વર્ષ ૧૯૬૪માં નલિયા ખાતે તાપમાન ૦.૬ ડિગ્રી જેટલું નીચું ગયું હતું જે અત્યાર સુધીનો વિક્રમ જનક આંકડો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન ૫.૪ ડિગ્રી નોંધાયું છે. જ્યારે નલિયામાં ૫.ર ડિગ્રી રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ જૂનાગઢમાં ૧૦.૪, ભવનાથ તળેટીમાં ૮.૪, રાજકોટમાં ૧૧.૭, ભાવનગરમાં ૧૩.૨, પોરબંદરમાં ૧૪.૩, વેરાવળમાં ૧૬.૯, વડોદરામાં ૧૦.૪, અમદાવાદમાં ૧૧.ર, સુરેન્દ્રનગરમાં ૧૦.૫, કંડલામાં ૮.૨, ડિસામાં ૯.૪, અમરેલીમાં ૧૦, ગાંધીનગરમાં ૯.૫, મહુવામાં ૧૩.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. સવારે રાજકોટમાં ૧૪, ભાવનગરમાં ૧૨, વેરાવળમાં ૧૬, ઓખામાં ૧૬, ભુજમાં ૮ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. છેલ્લા પાંચ વર્ષમાં ડિસેમ્બર માસમાં નલિયામાં બે વાર ૨.૬ ડિગ્રી સાથે કાતિલ ઠાર અનુભવાયો છે. વર્ષ ૨૦૧૩ની ૨૮ અને વર્ષ ૨૦૧૫ની ૧૫ ડિસેમ્બરે ઠંડીનો પારો ૨.૬ ડિગ્રી સુધી નીચો ગયો હતો પરિણામે નલિયા રાજ્યમાં સૌથી ઠંડા મથકમાં ફેરવાયું હતું. ત્યારે પવનો મંદા પડતાં ઠંડીનો ચમકારો સહેજ ઓછો તો થયો છે. છતાંય ડિસેમ્બર મહિનામાં આ પ્રકારની કાતિલ ઠંડીનો અહેસાસ લોકો ઘણા વર્ષો પછી કરી રહ્યા છે. જો કે આવનાર દિવસોમાં ઠંડીમાં નહિવત ઘટાડો થાય તેવી શક્યતા છે. જો કે હાલ તો લોકો ગરમ વસ્ત્રો અને તાપના સહારે ઠંડી ઉડાડતા જોવા મળી રહ્યા છે.