ગુરૂગ્રામ, તા.ર
હરિયાણાના ગુરુગ્રામમાં તોફાની યુવાનો દ્વારા ગુંડાગીરી કરવાની ઘટના સામે આવી છે. શહેરમાં એક મુસ્લિમ યુવકને આ તોફાની યુવાનોએ કથિત રીતે હેરકટિંગ સલૂનમાં લઇ જઇને જબરદસ્તીથી દાઢી કરાવી દીધી, ત્યારબાદ વિવાદ વકર્યો હતો.
પીડિત યુવક ઝફરુદ્દીનનો દાવો છે કે તેની સાથે જબરદસ્તી કરવામાં આવી, ઝફરુદ્દીને કહ્યું કે, આ તોફાની યુવકો પહેલા તેને નાઇની દુકાનમાં લઇ ગયા, નાઇએ તેની દાઢી કરવાની ના પાડી દીધી, તો આ અસામાજિક તત્વોએ નાઇ અને તેને બન્નેને ખરાબ રીતે માર માર્યો. બાદમાં મુસ્લિમ યુવકને સીટ પર બાંધી દીધીને ક્લિન શેવ કરાવી દીધું હતું. પીડિતા યુવક ઝફરુદ્દીન હરિયાણાના મેવાતના બાદલી ગામમાં રહે છે અને તે ગુરુગ્રામ માર્કેટમાં શાકભાજી લેવા આવ્યા હતા. ઝફરુદ્દીને કહ્યું કે, તેને જબરદસ્તી કરતા અસામાજિક તત્વોને સમજાવવાની પણ કોશિશ કરી, તેમને કહ્યું કે, ’’અમે મુસ્લિમ છીએ અને અમે દાઢી નથી કપાવતા. તો પણ તેઓ માન્યા નહીં, મારામારી કરીને દાઢી કરાવી દીધી.’’ યુવકે ગુરુગ્રામના સેક્ટર ૩૭ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ કરવામાં આવી છે. તેના આધારે પોલીસ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુરુગ્રામમાં થોડાક મહિનાઓ પહેલા નમાઝ પઢવાને લઇને ખાસ્સો એવો વિવાદ થયો હતો. બાદમાં તંત્ર અને સામજિક સંગઠનોના પ્રયાસો બાદ બે સમુદાયોની વચ્ચે વિવિદનો ઉકેલ આવી ગયો હતો. દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે, હુમલાખોરોને ઓળખી કઢાયા છે અને ત્રણની ધરપકડ કરવામાં આવી છે.