(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
શહેરના ડભોલી વિસ્તારમાં આવેલ અખંડ આનંદ સોસાયટીમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાન ધારકે સરકારી ધારા ધોરણ કરતાં ઓછો જથ્થો આપી સરકારી રેકર્ડમાં વધુ જથ્થો બતાવી ગ્રાહક પાસેથી વધારાના અનાજના રૂપિયા મેળવવાનું કૌભાંડ એસીબીની ટ્રેપમાં ઝડપાયું હતું. એસીબી સુરત એકમના ઈનચાર્જ મદદનીશ નિયામક એન.પી. ગોહિલને એક જાગૃત નાગરિકે ફરિયાદ કરતાં વલસાડ- ડાંગ એસીબીના પો.ઈ. એસ.આર. પટેલ સહિતની પોલીસ ટીમે ડભોલી અખંડ આનંદ સોસાયટી સસ્તા અનાજની દુકાન ધરાવતાં બાબુભાઈ નાગરભાઈ પટેલને ત્યાં ગ્રાહક મોકલી ટ્રેપ ગોઠવી હતી. દુકાનધારક દ્વારા સરકારશ્રી તરફથી ફાળવવામાં આવતુ અનાજ કાર્ડ ધારકોને માપદંડ કરતા ઓછું અનાજ આપી રાશન કાર્ડમાં છેડા કરી ગ્રાહકો સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી અને ગેરરીતિ આચરાતું હોવાનું બહાર આવ્યું હતું. એસીબીએ મોકલેલા ગ્રાહકને આ દુકાનદારે ઓછું અનાજ આપી વધારાના અનાજ પેટે રૂપિયા ૧૨૦ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. એસીબીએ દુકાનધારકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.