(એજન્સી) બેંગ્લુરૂ, તા.રપ
જ્યારે કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી ત્યારે એમને એમના પિતાની પ્રશંસા સાંભળવા મળી હતી. મોદીએ જેડીએસના વડાને જળ વિવાદો અને સિંચાઈ પ્રોજેક્ટોના હરતા ફરતા એનસાઈકલોપીડિયા જણાવ્યું. એમણે કહ્યું કે કાવેરી વિવાદના ૧૪૦ વર્ષ જૂના વિવાદની માહિતી ગૌડા પાસે છે. દિલ્હીથી આવ્યા પછી કુમારસ્વામીએ કડક શબ્દોમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારે કર્ણાટકની ચિંતાને ધ્યાનમાં લીધા વિના કાવેરી મેનેજમેન્ટ ઓથોરિટીની રચના કરી છે. જેથી એ કર્ણાટક, તામિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરી વચ્ચે પાણીની વહેંચણી બાબત નિગરાની રાખી શકે. એમણે કહ્યું કે બન્ને રાજ્યોમાં ફરીથી કાયદાકીય લડાઈ શરૂ થવાના સંકેતો દેખાઈ રહ્યા છે. જો કે ગૌડાએ પોતાના પુત્ર કુમારસ્વામીને પોતાના ઘરે બોલાવી સમજાવ્યું કે એ કાવેરી મુદ્દે સુપ્રીમકોર્ટ અથવા કેન્દ્ર સાથે વિવાદોમાં નહીં ઉતરતા બન્ને સાથે અને તામિલનાડુ સાથે પણ નરમ વલણ દાખવે. એમણે કહ્યું કે સુપ્રીમકોર્ટમાં નહીં જઈ એક સમજૂતી કરે જે રાજ્ય અને એમના ડગુમગુ થતાં ગઠબંધન સરકાર માટે લાભદાયક હોય. ગૌડાએ કુમારસ્વામીને કહ્યું કે કેન્દ્ર અથવા સુપ્રીમકોર્ટ સમક્ષ મૂકતા પહેલાં આ સો વર્ષ જૂની સમસ્યા બાબત એક બુકલેટ બનાવાય જેમાં બધી જ માહિતી વિગતવાર હોય. પિતા સાથે મળ્યા પછી કુમારસ્વામીએ તરત જ એડવોકેટ જનરલ ઉદય હોલા અને સિંચાઈ નિષ્ણાંત વેંકટરમનને કોઈ રસ્તો શોધવાની વાત કરી અને જલ્દી જ બુકલેટ બનાવવા કહ્યું.