સુરત, તા.૨૫
નવસારી જિલ્લાના વાંસદાના મોટા વેલંજા ગામેથી પસાર થતી કાવેરી નદીમાં ભર બપોરે અકસ્માતે ગયેલી ૬ વર્ષની બહેનને બચાવવા જતા પિતરાઈ બહેન પણ ડૂબવા લાગતા નદીના પાણીમાંથી પીઠ પર લઈ જીવ બચાવનાર પિતા નદીના પાણીમાં ડૂબી ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યારે ઘટનાની જાણ બાદ મોટી વેલંજા ગામે દોડી આવેલા ૧૦૮ની ટીમે તાત્કાલિક બન્ને પિતરાઈ બહેનોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ લઈ જતા બન્ને બહેનોની તબિયત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે. નાની બહેન ખુશીને બચાવવા મોટી બહેન નેહાએ નદીમાં ઝંપલાવ્યું હોવાનું અને નાની બહેન મોટી બહેનની પીઠ પર ચઢી જતા બન્ને બહેનો નદીના પાણીમાં ગરકાવ થઈ રહ્યા જોઈ ખુશીના પિતા અને અન્ય એક યુવાન પાણીમાં કૂદ્યા હોવાનું ગામવાસીઓ જણાવ્યું હતું.
નવસારી જિલ્લાના વાંસદાના મોટા વેલંજા ગામે નેહા અનિલ કોડચા (ઉ.વ. ૧૪) અને ખુશી મેહુલ પટેલ (ઉ.વ. ૬. રહે. એજન) પરિવાર સાથે રહે છે. આજે બપોરે ૨ વાગ્યાના અરસામાં બંને પિતરાઈ બહેનો ગામમાંથી પસાર થતી કાવેરી નદી કિનારે ગઈ હતી. દરમિયાન રમતા-રમતા અચાનક ખુશી નદીમાં પડી ગઈ હતી. જેથી નેહા તેને બચાવવા પડી હતી. દરમિયાન નેહાની પીઠ પર ખુશી બેસી જતા બંને ડૂબવા લાગી હતી. આ જોઈને ખુશીના પિતા મેહુલ અને અન્ય એક જીગર નામનો યુવક બચાવવા પડ્યો હતો. ત્યારબાદ મેહુલભાઈ બંને દીકરીઓને પીઠ બેસાડી કિનારે લાવી બચાવ કર્યો હતો. જોકે, મેહુલ બંને દીકરીઓના બચાવ બાદ પાણીમાં ડૂબી ગયો હતો. જેથી તેની સ્થાનિકો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.