અમદાવાદ,તા.૧
શહેરની આગવી ઓળખ ગણાતાં પશ્ચિમ વિસ્તારનાં પ્રસિદ્ધ લો ગાર્ડનનાં ખાણી પીણી બજાર પર મ્યુસિનિપલ કોર્પોરેશનની તવાઇ ઊતરી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાનાં સીધાં માર્ગદર્શન હેઠળ આજે સવારે પશ્ચિમ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ જેસીબી મશીન સાથે આ ખાણી પીણી બજાર પર ત્રાટકી હતી.
આ કાર્યવાહી દરમિયાન આઘાત લાગતા એક મહિલા બેભાન થઈ જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.આ ખાણી પીણી બજારનાં તમામ યુનિટનાં શેડ તેમજ રોડ પરનાં ટેબલ ખુરશી સહિતનાં દબાણને દૂર કરીને રોડ ખુલ્લો કરાયો હતો અને આજથી કાયમી ધોરણે લો ગાર્ડનનું ખાણી પીણી બજાર બંધ કરી દેવાયું છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન બાબતે એક પછી એક આકરાં પગલાં લેવાઇ રહ્યાં છે. હાઇકોર્ટે કરેલી લાલ આંખને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરભરમાં પથરાયેલાં ખાણી પીણી બજારથી ગંદકી ઉપરાંત દબાણનો પ્રશ્ન હંમેશાં લોકોને પરેશાન કરતો રહ્યો છે. જેના કારણે કમિશનર વિજય નહેરાએ ખાણી પીણી બજારને પણ ટ્રાફિકની સુગમતા માટે નિશાન બનાવી છે.આજે સવારે ૧૦ વાગ્યે લો ગાર્ડનનાં પ્રસિદ્ધ ખાણી પીણી બજાર પર તંત્ર અચાનક ત્રાટક્યું હતું. આ ખાણી પીણી બજારમાં ઓનેસ્ટ, અજય, અશરફી સહિતનાં ૪૯ યુનિટ ધમધમી રહ્યાં છે. આ ખાણી પીણીનાં યુનિટ દ્વારા મોટા પ્રમાણમાં રોડ પર ટેબલ ખુરશી લગાવાતાં હોવાથી સવાર સાંજ ટ્રાફિકની સમસ્યા બહુ વિકટ બનતી આવી છે. પરિણામે તંત્ર દ્વારા ખાણી પીણી બજારનાં દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ છે. પશ્ચિમ ઝોનનાં એસ્ટેટ ઓફિસર રાજેન્દ્ર જાધવ કહે છે, આજે સવારે ૧૦ વાગ્યે હાથ ધરાયેલાં ઓપરેશન સામે અમુક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે તેની અવગણના કરીને તમામ દબાણો દૂર કરાઇ રહ્યાં છે. અત્યાર સુધીમાં પાંચ દબાણની ગાડીમાં ટેબલ ખુરશી જપ્ત કરાયાં છે.