(એજન્સી) બેંગ્લુરુ, તા. ૬
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર સંકટમાં આવી ગઇ છે. કોંગ્રેસ અને જેડીએસના કુલ ૧૪ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હોવાની કબૂલાત સ્પીકર રમેશ કુમારે કરી હતી. શનિવારે કોંગ્રસના આઠ તથા જેડીએસના ત્રણ ધારાસભ્યોએ સ્પીકરને પોતાના રાજીનામા સોંપ્યા હતા. આ અસંતુષ્ટ ધારાસભ્યો પહેલા સ્પીકરને મળવા તેમના ઘરે ગયા હતા પરંતુ તેઓ મળ્યા ન હતા. ત્યારબાદ તેઓ રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા. સ્પીકરે કહ્યું હતું કે તેઓ કામથી બહાર ગયા હતા પણ તેમણે રાજીનામા અંગે પુષ્ટી કરી હતી. વિધાનસભાના સ્પીકર રમેશ કુમારે જણાવ્યું હતું કે, મેં મારી કચેરીને કહ્યું છે કે, રાજીનામા લઇ લે અને તેને સ્વીકાર કરી લે. આવતીકાલેરજા હોવાથી હું આ બાબતને સોમવારે જોઇશ. ૨૨૪ સભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસના ૭૯ અને જેડીએસના ૩૭ સભ્યો છે જ્યારે ભાજપના ૧૦૫ સભ્યો છે. સત્તાધારી શાસનને બહુમતી માટે ૧૧૩ સભ્યોની જરૂર પડે જોકે, આ રાજીનામા સ્વીકારાતા હવે સત્તાધારી શાસનની બહુમતી રહેતી નથી. ઉલ્લેખનીય છે કે, સોમવારે જ કોંગ્રેસના બે ધારાસભ્યો આનંદસિંહ અને રમેશ જારકોહલીએ પોતાના રાજીનામા આપી દીધા હતા ત્યારબાદ ગઠબંધન સરકારમાં ફક્ત ૧૧૬ સભ્યો બચ્યા હતા જ્યારે બહુમતીનો આંકડો ૧૧૩ છે.
બીજી તરફ જેડીએસેકહ્યું છે કે, તેમની સરકાર સ્થિર છે અને તેને કોઇ જોખમ નથી. જોકે, આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ કહ્યું હતું કે, જો રાજ્યપાલ અમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે તો અમે તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે, આ સંકટ ત્યારે સર્જાયું છે જ્યારે મુખ્યમંત્રી કુમારસ્વામી અમેરિકાના પ્રવાસે છે. ભાજપના વરિષ્ઠ નેતા યેદીયુરપ્પાએ કહ્યું છે કે આ રાજીનામા મામલે અમારી પાર્ટીને કોઇ લેવા દેવા નથી. એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે, અમેરિકાના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી કુમારસ્વામી તાત્કાલિક કર્ણાટક પરત ફરવા માટે નીકળી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો બીસી પાટિલ, એચ વિશ્વનાથ, નારાયણ ગૌડા, શિવરામ હેબ્બાર, મહેશ કુમાથાલી, ગોપાલૈયાહ, રમેશ જારીકોલી અને પ્રતાપ ગૌડા પાટિલે પોતાના રાજીનામા સ્પીકર કચેરીના સચિવને આપ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય રામલિંગા રેડ્ડીએ જણાવ્યું હતું કે, હું સ્પીકરને રાજીનામું સોંપવા અહીં આવ્યો છું. હું પાર્ટીમાં કે હાઇકમાન્ડમાં કોઇના પર દોષ મુકવા માગતો નથી. કેટલાક મુદ્દાઓ પર મારી અવગણના કરાતી હોવાનું લાગ્યું હતુું. તેથી મેં આ નિર્ણય લીધો છે. આ રાજીનામા બાદ કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનના સભ્યોની સંખ્યા ઘટીને ૧૦૫ થઇ ગઇ છે. ગઠબંધનને એક અપક્ષ તથા બીએસપીના એક ધારાસભ્યનું સમર્થન છે. આ દરમિયાન ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વર અને શિવકુમારે તાકીદની બેઠક બોલાવી હતી. બીજી તરફ મુખ્યમંત્રી કુમારસ્વામી અંગત પ્રવાસે અમેરિકા ગયા છે અને કોંગ્રેસના પ્રમુખ દિનેશ ગુંડુરાવ પણ પ્રવાસમાં છે. આ પહેલા કર્ણાટકમાં કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે, અમારૂં ગઠબંધન ચાલુ રહેશે. કોઇપણ ધારાસભ્ય રાજીનામા આપી રહ્યા નથી. હું તેમને મળીને આવ્યો છું.

‘કોઇપણ રાજીનામું આપશે નહીં’ : કર્ણાટકમાં સર્જાયેલી કટોકટી વચ્ચે કોંગ્રેસના સંકટ મોચકે કહ્યું

(એજન્સી) બેંગલુરૂ, તા. ૬
કર્ણાટકના મુખ્ય પ્રધાન એચડી કુમારસ્વામી અમેરિકાના પ્રવાસે ગયા છે ત્યારે રાજ્યની ગઠબંધન સરકારના ૧૧ ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા ગઠબંધન સરકાર ભાંગી પડવાને આરે આવી ગઇ હોવાનું લાગે છે. રાજીનામા આપનારા ૧૧ ધારાસભ્યોમાં કોંગ્રેસના ૮ અને જેડીએસના ૩ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. ૨૨૪ સભ્યોની કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ અને જેડીએસના ૧૧૬ ધારાસભ્યો છે જ્યારે બહુમતી માટે ૧૧૩ સભ્યો જરૂરી છે. જો ગઠબંધનના ૧૪ સભ્યો રાજીનામા આપે તો, સરકાર ભાંગી પડશે. રાજ્ય સરકારની નાજુક સ્થિતિને હળવી આંકીને કર્ણાટકના પ્રધાન અને કોંગ્રેસના સંકટ મોચક ડીકે શિવકુમારે વિધાનસભાના સ્પીકરના કાર્યાલય ખાતે બળવાખોર ધારાસભ્યો સાથે મુલાકાત કર્યા બાદ મીડિયાને જણાવ્યું કે હું ધારાસભ્યોને મળવા માટે અહીં આવ્યો છું અને કોઇ પણ રાજીનામું આપશે નહીં. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને જાળવી અને ટકાવી રાખવા માટે મહિનાઓથી પ્રયાસ કરી રહેલા શિવકુમારે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને તેમની સાથે આવવા માટે સમજાવીને રાજી કરી લીધા છે.

કોંગ્રેસ-જેડીએસ અસ્તિત્વ માટે લડી રહ્યા છે ત્યારે
કર્ણાટક વિધાનસભામાં આંકડાકીય સ્થિતિ કેવી છે

(એજન્સી) બેંગલુરૂ, તા.૬
કર્ણાટકમાં ગઠબંધન સરકારના અસ્તિત્વ સામે ભય ઉભો થયો હોવાથી રાજ્યના મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામી નવેસરથી કટોકટીનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસના ૮ અને જેડીએસના ૩ ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકરને તેમના રાજીનામા આપી દીધા હોવાથી રાજ્ય સરકારના અસ્તિત્વ સામે ગંભીર પડકાર ઉભો થયો છે. જો શાસક ગઠબંધનના ૧૧ ધારાસભ્યો રાજીનામા આપી દેશે તો એક વર્ષ જૂની જેડીએસ-કોંગ્રેસ સરકારને ગૃહમાં વિશ્વાસનો મત મેળવવો પડશે. સ્પીકર સહિત વિધાનસભામાં ૨૨૫ સભ્યો છે. ૧૦૫ ધારાસભ્યો સાથે ભાજપ ગૃહમાં સૌથી મોટો પક્ષ છે. જ્યારે કોંગ્રેસ પાસે ૭૮ અને જેડીએસ પાસે ૩૭ ધારાસભ્યો છે. તદ્‌ઉપરાંત બસપાના એક અને કેપીજેપીના એક ધારાસભ્ય છે. વિધાનસભામાં એક અપક્ષ અને અન્ય એક સરકાર દ્વારા નોમિનેટ કરાયેલા ધારાસભ્ય છે. જો સ્પીકરને બાકાત રાખીએ તો ગૃહની સભ્ય સંખ્યા ૨૨૪ થાય છે અને જાદૂઇ આંક ૧૧૩નો છે. હાલમાં કોંગ્રેસ-જેડીએસના ૧૧૫ સભ્યો છે અને ગઠબંધનને બસપા અને અપક્ષ ધારાસભ્યનો ટેકો છે. આ સાથે ગઠબંધન પાસે ૧૧૭ સભ્યો છે. નોમિનેટ ધારાસભ્ય પણ સરકારની પડખે હોવાથી સરકારના સભ્યોની કુલ સંખ્યા ૧૧૮ થાય છે. જ્યારે બીજીબાજુ ભાજપના ૧૦૫ સભ્યો છે અને કેપીજેપીના સભ્યનું ભાજપને સમર્થન હોવાથી તેની સંખ્યા ૧૦૬ થઇ જાય છે. જો ગઠબંધનના ૧૧ સભ્યોના રાજીનામા સ્વીકારી લેવાય તો ગૃહની સભ્ય સંખ્યા ઘટીને ૨૧૪ થઇ જશે અને સ્પીકરને બાકાત રાખીએ તો અસરકારક સંખ્યા ઘટીને ૨૧૩ થઇ જશે, આવી સ્થિતિમાં બહુમતી માટે ૧૦૭ સભ્યો જરૂરી છે અને ભાજપ પાસે ૧૦૬ સભ્ય હોવાથી સરકાર બનાવવા માટે ભાજપ અપક્ષ ધારાસભ્યને પોતાની તરફ ખેંચી શકે છે. હજી પણ કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોના રાજીનામાની શક્યતા છે જો વધુ બે સભ્યો રાજીનામું આપે તો ગૃહની સભ્ય સંખ્યા ૨૧૨ થઇ જશે અને સ્પીકરને બાકાત રાખીએ તો આ સંખ્યા ઘટીને ૨૧૧ થઇ જશે. આવી પરિસ્થિતિમાં બહુમતી માટે ૧૦૬ સભ્યો જરૂરી હશે. ભાજપ પાસે ૧૦૬ સભ્યો છે અને તે સરકાર બનાવવાની સ્થિતિમાં આવી જશે.

સિદ્ધારમૈયાને કર્ણાટકના મુખ્યપ્રધાન બનાવાય તો રાજીનામા
આપનાર ૧૧માંથી ૩ ધારાસભ્યો રોકાવા તૈયાર

(એજન્સી) બેંગલુરૂ, તા.૬
કર્ણાટકમાં રાજીનામા આપનારા કોંગ્રેસ અને જેડીએસના ૧૧ ધારાસભ્યોમાંથી ચાર ધારાસભ્યોએ શનિવારે એવી માગણી કરી છે કે જો કોંગ્રેસના નેતા સિદ્ધરમૈયાને રાજ્યના મુખ્યપ્રધાન બનાવવામાં આવે તો તેઓ તેમના રાજીનામા પાછા ખેંચવા તૈયાર છે. જોેકે, આ ચારમાંથી ત્રણ ધારાસભ્યો – સોમશેખર, ભસવરાજ અને શિવરામે રાજીનામા આપ્યા છે જ્યારે ચોથા ધારાસભ્ય મુનિરત્નાના રાજીનામાની હજી પુષ્ટિ થઇ નથી. જેડીએસ અને કોંગ્રેસના ૧૧ ધારાસભ્યો તેમના રાજીનામા આપવા માટે કર્ણાટક વિધાનસભાના સ્પીકરના કાર્યાલયે પહોંચ્યા હતા ત્યારે સ્પીકર તેમના કાર્યાલયમાં ઉપસ્થિત ન હતા તેથી સ્પીકારના કાર્યાલયના સચિવને રાજીનામા સુપરત કર્યા હતા. કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમારે જણાવ્યું કે ૧૧ ધારાસભ્યોએ તેમના કાર્યાલય ખાતે રાજીનામા આપી દીધા છે. ધારાસભ્યોના રાજીનામા પત્રો લઇ લેવાનું સ્પીકરે તેમના કાર્યાલયને કહી દીધું છે. આવતીકાલે રવિવારે ઓફિસ બંધ છે અને સોમવારે તેઓ વ્યસ્ત હોવાથી આ મુદ્દા અંગે મંગળવારે તેઓ આગળ કાર્યવાહી કરશે. સરકારના ભાવિ વિશે પૂછવામાં આવતા સ્પીકરે જણાવ્યું કે થોભો અને રાહ જુઓ. આ પ્રકરણ સાથે તેમને કોઇ લેવા દેવા નથી. સરકાર ભાંગી પડશે કે બચી જશે, તેના વિશે વિધાનસભામાં નક્કી કરવામાં આવશે.

હું કોઇ પ્રતિક્રિયા આપવાનો નથી : કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોના રાજીનામા અંગે એચડી દેવગોવડાએ કહ્યું

(એજન્સી) બેંગલુરૂ, તા. ૬
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર દ્વારા સામનો કરવામાં આવી રહેલી રાજકીય કટોકટી અંગે કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો જેડીએસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગોવડાએ ઇનકાર કરી દીધો છે. તેમણે જણાવ્યું કે આ મુદ્દા અંગે તેઓ કોઇને પણ કશું જ કહેવાના નથી. હું કોઇ પણ પ્રતિક્રિયા આપવાનો નથી. મેં કોઇને પણ કશું જ કહ્યું નથી. કોંગ્રેસના ૮ અને જેડીએસના ૩ ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકરને તેમના રાજીનામા સુપરત કરી દીધા હોવાની બાબતે દેવગોવડાને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે હું કોર્પોરેશનની ચૂંટણીઓ માટે પક્ષના કાર્યકરો સાથે બેઠક યોજવા જઇ રહ્યો છું. તેમણે એવું પણ કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સાથે આ મુદ્દા અંગે તેમણે કોઇ વાત કરી નથી.