સુરેન્દ્રનગર,તા.ર૭
મહિલાઓ પરના અત્યાચારો અટકાવવા રાજ્ય સરકારે અનેક કાયદાઓ અમલી બનાવ્યા છે. મહિલા અત્યાચાર અટકાવવા અંગે શરૂ કરેલ ૧૮૧ હેલ્પલાઈનમાં ૪પ લાખથી પણ વધારે મહિલાઓએ લાભ મેળવેલ છે. તેમ ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા પંચાયત આઈડીસીએસ સુરેન્દ્રનગર દ્વારા ચૂંટાયેલી મહિલાઓને મહિલા વિષયક કાયદાઓની અને યોજનાઓની જાણકારી મળે તે હેતુ માટે એક દિવસીય મહિલા કાયદાકીય જાગૃતિ શિબિરમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતિ લીલાબેન અંકોલિયાએ જણાવ્યું હતું.
અધ્યક્ષા શ્રીમતિ લીલાબેને શિક્ષણ પર ભાર મુકતા જણાવ્યું હતું મહિલા શિક્ષણ થકી રાષ્ટ્રના વિકાસને તેજ ગતિ મળશે. જો મહિલા જાગૃત અને શિક્ષિત હશે તો તેમનું કુટુંબ અને સમાજ શિક્ષિત અને જાગૃત બનશે. જેથી રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ થશે.
આ પ્રસંગે જજ કે.આર.પંડ્યા, નગરપાલિકાના ઉપપ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, મહિલા વાંકેલ રાજુબેન ત્રિવેદી, સામાજિક કાર્યકર પન્નાબેન શુકલએ પ્રાસંગિક ઉદ્દબોધનો કર્યા હતા.
આ પ્રસંગે પ્રોટેક્શન અધિકારી હિનાબેન ચૌધરી, આઈ.સી.ડી.એસ.ના અધિકારીઓ , પદાધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત હતી.