(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
ઇવીએમ ટેમ્પરિંગના અમેરિકા ખાતેના અમેરિકન એક્સપર્ટના દાવા અંગે પ્રતિક્રિયા આપતા ભારતીય ચૂંટંણી પંચે કહ્યું છે કે, ઇવીએમ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને હેકપ્રૂફ છે અને ચૂંટણી પંચ હાલ લંડનમાં પત્રકાર પરિષદ દ્વારા કરાયેલા દાવા સામે કયા કાયદાકીય પગલાં લઇ શકાય તેની સમીક્ષા કરી રહ્યું છે. પંચે જણાવ્યું કે, આયોજન સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે મતો લેવાઇ રહ્યા છે. ચૂંટણી પંચે સાથે જ કહ્યું કે, ઇવીએમ મશીનને હેક કરી શકાતું નથી. ચૂંટણી પંચે જણાવ્યું કે, અમારા ધ્યાને આવ્યું છે કે, ચૂંટણી પંચ દ્વારા ઉપયોગમાં લેવાતા ઇવીએમ સાથે ચેડાં થતા હોવાનું લંડનમાં યોજાયેલા હેકાથોનમાં પુરવાર કરાયું છે. અમે કહી રહ્યા છીએ કે, ભારતીય ચૂંટણી પંચના ઇવીએમ સંપૂર્ણ હેકપ્રૂફ છે. પંચે નિવેદનમાં કહ્યું કે, આ ઇવીએમ આકરા સુપરવિઝન અને કડક સુરક્ષામાં ભારત ઇલેક્ટ્રોનિસ્ક અને ઇલેકટ્રોનિસ્ક કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં બને છે. ૨૦૧૦માં બનાવેલી ટેકનિકલ એક્સપટ્‌ર્સની દેખરેખમાં સખત ધોરણો અપનાવવામાં આવે છે.