(એજન્સી) તા.રપ
અમેરિકામાં નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના અધ્યક્ષ નેન્સી પેલોસીએ મંગળવારે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની સત્તાવાર પ્રક્રિયા શરુ કરવાની જાહેરાત કરી હતી. પેલોસીએ કહ્યું કે ડેમોક્રેટિક હરીફ જોે બાઇડેનને નુકસાન પહોંચાડવા માટે વિદેશી તાકાતનો ઉપયોગ કરવા બદલ તેમણે પોતાના પદના શપથનું ઉલ્લંઘન કર્યું છે. પેલોસીએ કહ્યું કે ટ્રમ્પના કાર્યકાળની કાર્યવાહીઓ રાષ્ટ્રપતિના તેમના પદના શપથ પ્રત્યે બેઇમાની, અમારી રાષ્ટ્રીય સુરક્ષાનો ભંગ અને આપણી ચૂંટણી અખંડિતતા સાથે વિશ્વાસઘાતને રજૂ કરે છે. તેમણે કહ્યું કે આજે એટલા માટે જ હું જાહેરાત કરું છું કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ મહાભિયોગની સત્તાવાર પ્રક્રિયા શરુ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ ચૂંટણીના ૧૪ મહિના પહેલા ડેમોક્રેટના આ પગલાંથી અમેરિકી રાજનીતિમાં વધુ એક ઘાતક અધ્યાયની શરુઆત થઇ છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડેમોક્રેટના આ પગલાં વિશે કહ્યું કે વિપક્ષ તેમની પાછળ હાથ ધોઈને પડી ગયો છે. સાથે જ તેમણે દાવો કર્યો કે તેનાથી ર૦ર૦માં ફરી તેમના ચૂંટાવાની સંભાવનાઓ તેનાથી જ વધશે. ટ્રમ્પે આરોપોથી ઇનકાર કરી દીધો છે. આરોપોમાં કહેવાયું છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેન્સ્કી પર દબાણ બનાવાયું છે કે તે ટ્રમ્પના ડેમોક્રેટિક હરીફ જો બાઇડેન અને તેમના દીકરા સામે ભ્રષ્ટાચારના દાવાની તપાસ શરુ કરે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે તેમણે યુક્રેની રાષ્ટ્રપતિ સાથે પોતાના રાજકીય હરીફ વિશે વાતચીત કરી હતી. નેન્સી પેલોસીએ ટ્રમ્પના આ વર્તન વિશે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંધારણનો ભંગ કર્યો છે. પેલોસીએ કહ્યું કે તેમાં રાષ્ટ્રપતિની જવાબદારી નક્કી થવી જોઇએ. કોઇપણ વ્યક્તિ કાયદાથી ઉપર ના હોઇ શકે. મહાભિયોગની પ્રક્રિયા હેઠળ ટ્રમ્પને આ પદેથી હાંકી કાઢવા માટે ર૦ રિપબ્લિકન સાંસદોની જરુર પડશે જે પોતાના રાષ્ટ્રપતિ વિરુદ્ધ હોય. અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય આવું થઇ શક્યું નથી.