(એજન્સી) લખનૌ, તા. ૨૪
શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે જવ્વાદે સંસદભવનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મૌલાના કલ્બે જવ્વાદે ટોળાની હિંસા વિરૂદ્ધ આકરો કાયદો અને શિયા વકફ બોર્ડની સીબીઆઇ તપાસની માગ કરતા સૂફી સમાજને સરકારમાં ભાગીદારીની માગણી કરી હતી. અહેવાલો અનુસાર આ દરમિયાન મૌલાના સાથે સફીપુર ઉન્નાવના મૌલાના હસનૈન બકાઇ અને વકફ બચાવો આંદોલનના અધ્યક્ષ શમીલ શમ્સી પણ સામેલ હતા. મંગળવારે સંસદભવનમાં કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યાલયમાં અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ મૌલાના કલ્બે જવ્વાદે જણાવ્યું હતું કે, અમને એવો વિશ્વાસ અપાયો છે કે, ઉત્તરપ્રદેશમાં શિયા અને સુન્ની વકફ બોર્ડમાં વકફ સંપત્તિઓના કૌભાંડની વહેલી તકે સીબીઆઇ તપાસ કરવામાં આવશે. સાથે જ દેશ તથા રાજ્યના ઘણા વિસ્તારોમાં વધતી મોબ લિન્ચિંગની ઘટનાઓ વિરૂદ્ધ આકરો કાયદો બનાવવાનું આશ્વાસન આપ્યું છે.
મૌલાના કલ્બે જવ્વાદે જણાવ્યું હતું કે, ગૃહમંત્રીએ એ આશ્વાસન સાથે કહ્યું છે કે, દરેક નાગરિકની જવાબદારી સરકારની છે અને ટોળા દ્વારા હિંસાની જેટલી ઘટનાઓ સામે આવી છે તેમાં કાર્યવાહી ચાલુ છે. આવા કેસોમાં દોષિતોને છોડવામાં નહીં આવે. આવી ઘટનાઓ પાછલી સરકારોમાં પણ થતી રહી છે પણ હવે આ ઘટનાઓને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. મૌલાના જવ્વાદે કહ્યું કે, આ ઉપરાંત વર્ષ ૨૦૧૩માં જુના લખનઉના વઝીરગંજ વિસ્તારમાં થયેલી તોફાનોમાં શિયા સમુદાયના લોકોને જાણીજોઇને ફસાવ્યા હોવાના કેસમાં પણ ગૃહમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે, આ બાબતને તેઓ પોતે જ જોશે.