મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામા બાદ કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે આને બંધારણીય લોકશાહીની જીત ગણાવી હતી. કેસી વેણુગોપાલે દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવારના રાજીનામા અંગે કહ્યું કે, આ ભાજપના હાઇકમાન્ડના ગાલ પર તમાચો છે. કેસી વેણુગોપાલે ફડનવીસના રાજીનામા અંગે કહ્યું કે, આ માત્ર દેવેન્દ્ર ફડનવીસની જ નિષ્ફળતા નથી પણ દિલ્હીમાં બેઠેલા તેમના માસ્ટરોના ગાલ પર તમાચો છે. આ પહેલા દેવેન્દ્ર ફડનવીસે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપતા કહ્યું હતું કે, જે નક્કી થયું ન હતું તેને અમારા માથા પર થોપાયું. અમે નિર્ણય લીધો કે, જે ચૂંટણી પહેલા નક્કી નથી થયું તે અમે કરીશું નહીં. શિવસેના અમારી સાથે ચર્ચા કરવાને બદલે એનસીપી અને કોંગ્રેસ પાસે ગઇ હતી. અમારી પાસે બહુમતી નથી. ઉલ્લેખનીય છે કે, મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટે બીજા દિવસે જ શક્તિ પરિક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમના આ આદેશનું શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ સ્વાગત કરતા કહ્યું હતું કે સત્યની જીત થશે અને ભાજપ પરાજિત થશે.