(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૧૭
ધારાસભ્યોની સોદાબાજીનો ભાજપ આરોપ લગાવતા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કર્ણાટકમાં જેડીએસ સાથેની ગઠબંધન સરકાર તેના પાંચ વર્ષની ટર્મ પુરી કરશે. કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ અંગેના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, ફરી એકવાર ભારતમાં શાસન કરતી પાર્ટી કર્ણાટક અને દેશના લોકો સામે ખુલ્લી પડી ગઇ છે. કર્ણાટકમાં તેમની ગંદી સોદાબાજી છતી થઇ ગઇ છે. અમને પાક્કો વિશ્વાસ છે કે, કોંગ્રેસ-જેડીએસ સરકારને કાંઇપણ થશે નહીં. તે પાંચ વર્ષની ટર્મ પુરી કરશે. બીજી તરફ ભાજપના પ્રમુખ બીએસ યોદીપુરપ્પાએ કહ્યું હતું કે, કર્ણાટકમાં ગઠબંધન સરકારને પાડવા માટે કોઇપણ અભિયાન તેમની પાર્ટીના સભ્ય દ્વારા ચલાવાયું નથી. પાડોશી રાજ્ય તેલંગાણામાં કોંગ્રેસના ધારાસભ્યોને રાખવા અંગેના અહેવાલ મુદ્દે વેણુગોપાલે કહ્યું કે, કોઇપણ ધારાસભ્ય પાર્ટી છોડશે નહીં.
કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો હતો કે, આ રીતે ભાજપ અમારા ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરે છે. તેઓ કરોડો કરોડો રૂપિયાની ઓફર કરે છે જે બધી બાબત હવે જાહેર થઇ ચુકી છે. ભાજપે શા માટે હરિયાણાના રિસોર્ટમાં તેના ૧૦૪ ધારાસભ્યોને ગોંધી રાખ્યા છે ? તેમનો ઇરાદો શું છે ? બધા જાણે છે કે, ૧૦૪ ધારાસભ્યોથી તેઓ સરકાર બનાવી શકશે નહીં. સૂત્રો અનુસાર હરિયાણાના રિસોર્ટમાં રોકી રખાયેલા કર્ણાટક ભાજપના ધારાસભ્યોને ૧૮ જાન્યુઆરીએ કોંગ્રેસના વિધાનસભ્યોની બેઠક બાદ રાજ્યમાં પરત ફરવાનો આદેશ મળશે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, સત્તાધારી ગઠબંધન પર કોઇ અસર નહીં થાય. વેણુગોપાલે કહ્યું કે, બે દિવસ પહેલા મેં મીડિયાને કહ્યું હતું કે, કાંઇ નહીં થાય. આ બાબત ભાજપ માટે દિવાસ્વપ્ન બની રહેશે. કર્ણાટકની ગઠબંધન સરકારને ૧૫મી જાન્યુઆરીએ આંચકો લાગ્યો હતો જ્યારે બે અપક્ષ ધારાસભ્યોએ તેની સાથે છેડો ફાડ્યો હતો.