(એજન્સી) હૈદરાબાદ, તા. ૭
કોંગ્રેસ સામે તેલંગાણાના કાર્યકારી મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવની ટિપ્પણીઓ બદલ ગુરૂવારે કોંગ્રેસે કેસીઆરની ટીકા કરીને જણાવ્યું કે ચૂંટણીઓમાં આપેલા વચનો પુરા નહીં કરવા બદલ રાજ્યના લોકો કેસીઆરને પાઠ ભણાવશે. તેલંગા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ઉત્તમ કુમાર રેડ્ડીએ જણાવ્યું કે રાજ્યના મતદારોની યાદીની સમીક્ષા કરવામાં આવી રહી છે ત્યારે ચંદ્રશેખર રાવ સાથે ચૂંટણી પંચની ચર્ચા કરવાની બાબત અગાઉ ક્યારેય સાંભળમાં આવી નથી અને આ બાબતને ગંભીર રીતે હાથ ધરવી જોઇએ. ઉત્તમ કુમાર રેડ્ડીએ એવો પ્રશ્ન કર્યો કે શું ચૂંટણી પંચ કેસીઆર સાથે મેચ ફિક્સિંગ કરી રહ્યું છે ? વિધાનસભાનું વિસર્જન કરતા પહેલા ચૂંટણી પંચે કેસીઆરને શું કહ્યું હતું. કેન્દ્રીય ચૂંટણી પંચ શું કરી રહ્યું છે, તેનાથી ચોક્કસપણે શંકા ઉભી થાય છે, કારણ કે પહેલી સપ્ટેમ્બરે ચૂંટણી પંચે તેલંગાણાના મતદારોની યાદીની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો અને આ પ્રક્રિયા ૨૦૧૯ની પહેલી જાન્યુઆરી પુરી થવાની છે. નવી દિલ્હીમાં ઉત્તમ કુમાર રેડ્ડીએ પત્રકારોને જણાવ્યું કે ચંદ્રશેખર રાવે કહ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) સાથે તેમણે વાત કરી છે અને તેઓ રાજ્યમાં ચૂંટણીઓ યોજવાના છે. જો મુખ્યપ્રધા એમ કહી રહ્યા છે કે તેમણે વિધાનસભાના વિસર્જન પહેલા તેમણે સીઇસી સાથે વાત કરી હતી, તો આ બાબતે ચૂંટણી પંચે ઘણા પ્રશ્નોના જવાબ આપવા પડશે. રેડ્ડીએ એવું પણ કહ્યું કે આગામી ચૂંટણીઓ કોંગ્રેસ વિરૂદ્ધ ટીઆરએસ નહીં પરંતુ કેસીઆર પરિવાર વિરૂદ્ધ તેલંગાણાની પ્રજાની હશે. કોંગ્રેસ કોઇ પણ સમયે ચૂંટણી માટે તૈયાર છે અને ચૂંટણીઓમાં કોંગ્રેસના વિજય થશે.

KCR મુસ્લિમોના વોટ બચાવવા માટે ભાજપ સાથેની સમજૂતી ગુપ્ત રાખશે

દેશની સામાન્ય ચૂંટણીઓમાં વિભિન્ન મુદ્દાઓ હશે છવાયેલા રહેશે પરંતુ આ મુદ્દાઓમાં નહીં પડવા માગતા તેલંગાણાના મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવે રાજ્યમાં સામાન્ય ચૂંટણીઓ પહેલા વિધાનસભાની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લીધો છે અને નિર્ધારિત સમયથી છ મહિના પહેલા વિધાનસભાનું વિસર્જન કર્યું છે. ૨૦૧૪માં લોકસભા અને તેલંગાણા વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઇ હતી પરંતુ આ વખતે રાજ્યના મતદારો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ સાથે નવેમ્બરમાં વિધાનસભા માટે મતદાન કરશે. એવું લાગે છે કે ચૂંટણી પંચ તેલંગાણામાં વહેલી ચૂંંટણીઓ યોજવા કદાચ તૈયાર ન હતું. તેલંગાણાની વિધાનસભાની ચૂંટણીઓમાં મુસ્લિમોના મોટાભાગના વોટ મેળવવાના ઉદ્દેશ સાથે ચંદ્રશેખર રાવે મુસ્લિમોને લાભ આપવા માટે અસંખ્ય કલ્યાણકારી પગલાં ભર્યા છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રશેખર રાવે રાષ્ટ્રીય સ્તરે ટીઆરએસ અને ભાજપ વચ્ચે અનૌપચારિક સમજૂતી કરી છે અને કેન્દ્રમાં આગામી સરકાર બનાવવામાં ભાજપના પ્રયાસને સમર્થન આપવાનું વચન આપ્યું છે. જોકે, ચૂંટણીઓ પહેલા આ અનૌપચારિક વ્યવસ્થા રહેશે. જો ચૂંટણીઓ પહેલા ભાજપ અને ટીઆરએસ વચ્ચેની સમજૂતી જાહેર થઇ જાય તો ટીઆરએસને તેલંગાણાની ચૂંટણીઓમાં મુસ્લિમોના મત મળવા સામે ભય ઉભો થઇ જશે, તેથી ભાજપ અને ટીઆરએસ વચ્ચેની સમજૂતી ચૂંટણીઓ યોજાવા સુધી ચંદ્રશેખર રાવ ગુપ્ત રાખશે.