(એજન્સી) નવી દિલ્હી, તા.રર
કેન્દ્ર સરકાર આગામી નાણાં પંચની રચના કરવા અને નાદારી માટે કાયદો ઘડવા માટે વટહુકમ બહાર પાડશે અને સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટના જજોના પગાર વધારવાની પ્રક્રિયાની શરૂઆત કરશે. કેબિનેટના વરિષ્ઠ મંત્રીઓએ માહિતી આપી હતી. નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, ૧પમા નાણાં પંચની રચના કરવા મંજૂરી અપાઈ છે. નાણાં પંચ કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે નાણાંની વહેંચણી માટે ભલામણો કરે છે. આ વખતે જીએસટીનો અમલ થયાથી પ્રક્રિયા જુદી રહેવાની છે. જજોના પગાર વધારા બાબતે જેટલીએ કહ્યું કે, એમના પગારોના વધારાને મંજૂરી અપાઈ છે. જેનો અમલ ૧લી જાન્યુઆરી ર૦૧૬થી શરૂ થશે. જેમાં સુપ્રીમકોર્ટના ૩૧ જજો અને હાઈકોર્ટોના ૧૦૭૯ જજો સમેત રપ૦૦ નિવૃત્ત જજોને પણ લાભ થશે. જેટલીએ કહ્યું કે, એક વટહુકમ રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે જેમાં નાદારી કાયદામાં સુધારાઓ કરવામાં આવશે. સૂત્રોએ કહ્યું કે, કાયદામાં નવી જોગવાઈઓ કરવામાં આવશે જેથી વાંધાજનક મિલકતોને નાદાર લોકો ખરીદી નહીં શકે.