જૂનાગઢ, તા. રપ
જૂનાગઢ જિલ્લા જેલની વાડીમાં કામ કરતા એક કેદી નજર ચુકવીને નાસી ગયાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ તા. ર૪-પ-ર૦૧૮ કલાક ૧૪.૩૦થી ૧૪.૪પ દરમ્યાન બનેલ છે અને કલાક ૧૯.૩૦એ ફરિયાદ દાખલ થઈ છે. મજેવડી પોલીસ ચોકી વિસ્તારમાં જૂના સ્ટાફ કવાર્ટરની બાજુમાં જેલની નવી-જૂની વાડી ખાતે બનાવ બન્યો છે જે અંગે જૂનાગઢ જિલ્લા જેલના હવાલદાર દિનેશભાઈ એસ.પટેલે પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે પાકા કામના કેદી નં. ૪૧૩૭૧ કાનાભાઈ ઉકાભાઈ બાંભણીયા (રહે. ગામ રોહિસા, તા. જાફરાબાદવાળા) વિરૂદ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે આરોપી પાકા કામનો કેદી હોય અને જૂનાગઢ જેલમાં જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટ ઉનાના ફો.પ.અ.નં. ૧ર૦/ર૦૧૭ના કામે સીઆરપીસી ૧રપ ભરણ પોષણના કેસમાં સાદી કેદના ગુનામાં તા. ર૮-ર-ર૦૧૮ના રોજ જૂનાગઢ જિલ્લા જેલમાં કેદ થયેલ અને આરોપી જેલની વાડીમાં કામ કરતા કાયદેસરની કસ્ટડીમાંથી ફરિયાદીની નજર ચુકવી નાસી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં પોલીસે કલમ રર૪ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.વી.મુંજવા ચલાવી રહ્યા છે.