પાલનપુર, તા.૩
મહેસુરથી અજમેર જતી ટ્રેનમાં વસઇ નજીક મંગળવારે રાત્રે અજાણ્યા શખ્સે ટ્રેનના ડબ્બામાં બેઠેલા પાંચ મુસાફરોને ઠંડા પીણામાં ઘેનયુકત પદાર્થ પીવડાવી તેમની પાસેથી સોનાની વિંટીઓ તેમજ રોકડ રકમની લૂંટ કરી ફરાર થઇ ગયો હતો.
બનાવની વિગત અનુસાર મહેસુરથી મંગળવારે સવારે નીકળેલી અજમેર જતી ટ્રેન મંગળવારે રાત્રે વસઇ નજીક પહોચી હતી. તે સમયે ટ્રેનના ડબ્બામાં મુસાફરી કરી રહેલા એક મહિલા સહિત પાંચ જણાને અજાણ્યા શખ્સે વિશ્વાસમાં લીધા હતા. જેણે પોતાના ઘરે પુત્રનો જન્મ થયો છે. તેમ કહી પાંચ મુસાફરોને ઠંડા પીણામાં ઘેનયુકત પદાર્થ પીવડાવી દીધો હતો. આથી પાંચેય જણા બેભાન થઇ ગયા હતા. જે દરમિયાન આ શખ્સે મુસાફરોએ હાથની આંગળીએ પહેરેલી સોનાની વિંટીઓ તેમજ રોકડ રકમની લૂંટ કરી ફરાર થઇ ગયો હતો. આ ટ્રેન મહેસાણા રેલવે સ્ટેશને આવતાં અન્ય મુસાફરોએ બેભાન મુસાફરો અંગે રેલવે પોલીસને જાણ કરી હતી. આથી મહેસાણા રેલવે પોલીસના જવાનો બેભાન મુસાફરો સાથે પાલનપુર આવ્યા હતા અને પાંચેય બેભાન મુસાફરોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.
આ અંગે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુત્રોએ જણાવ્યું હતુ કે, ટ્રેનમાંથી બેભાન મળી આવેલા ચાર મુસાફરો ભાનમાં આવી ગયા છે. જો કે, લખારામ ફુલારામ ચૌધરી હજુ સુધી ભાનમાં આવ્યા નથી. તેમની હાલત ગંભીર જણાઇ રહી છે. આ અંગે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ મુસાફર સુરેશભાઇ માળીએ જણાવ્યું હતું કે, અમારા ડબ્બામાં એક ફોજીનો ડ્રેસ પહેરેલો શખ્સ પણ બેઠો હતો. જેણે મારા પરિવારમાં પુત્રનો જન્મ થયો છે. ચાલો આપણે બધા જસ્ન મનાવીએ તેમ કહી ઠંડુ પીણું આપ્યું હતુ. જે પીધા પછી અમે બેભાન બની ગયા હતા.
કેફી પીણું પીધા પછી બેભાન થયેલા મુસાફરો
જગતારામ સાદલાજી પ્રજાપતિ (ઉ.વ. ૫૫) (રહે. પોથેડીગાંવ રાજસ્થાન)
તારારામ મોટારામજી સેરવ (ઉ.વ. ૬૦) (રહે. સ્યાટ, પાલી રાજસ્થાન)
સુરેશભાઇ ટોકમરામ માળી (ઉ.વ. ૩૮) (રહે. બેંગલોર)
કન્યાબેન ખુમારામ ચૌધરી (ઉ.વ. ૪૦) (રહે. બીલાવાસ)
લખારામ ફુલારામ ચૌધરી (રહે. ૬૫) (રહે. કેડ, રાજસ્થાન)