ભાવનગર,તા.૪
ભાવનગર શહેરના સરદારનગરમાં રહેતા શખ્સે ઠંડાપીણામાં કેફી પીણું પીવડાવી બેશુધ્ધ કરી મહિલાના અશ્વલીલ ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી મહિલાની મરજી વિરૂધ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યાની અને તેમાં આ શખ્સની પત્નીએ મદદગારી કર્યાની સુરતના સરથાણા પોલીસે પીડિતાની ફરિયાદ ઝીરો લેવલે નોંધી આગળની કાર્યવાહી માટે ભાવનગર સ્થિત ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને મોકલી આપતા ખળભળાટ મચ્યો છે.
ભાવનગર શહેરના સરદારનગરમાં રાજ ચામુંડા સોસાયટીમાં રહેતા સુનિલ પ્રભુદાસ રાજાઈ તથા તેના પત્ની રિધ્ધિ વિરૂધ્ધ સુરત શહેરના સરથાણ પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ એવી ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.ર૯ જૂનથી આશરે દોઢેક વર્ષ પહેલા આરોપી સુનિલ રાજાઈએ પોતાના ઘરે બોલાવી ઠંડા પીણામાં કોઈ પ્રવાહી પીવડાવી બેભાન કરી તેણીના અશ્વલીલ ફોટા પાડી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી શરીર સંબંધ બાંધવા મજબૂર કરી તેણીની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.
બનાવના દોઢ વર્ષ પછી ફરિયાદીને બદનામ કરવાના ઈરાદે અશ્વલીલ ફોટા તેણીના પિતાને મોકલી આપી તથા પતિને ટેલિફોનિક ધમકી પણ આપતા આખરે પીડિતાએ પોલીસ, શરણું લીધું છે. આ ગુનામાં આરોપી સુનિલ રાજાઈને તેની પત્ની રિધ્ધિ રાજાઈએ મદદગારી કરી હોવાનું પણ ફરિયાદમાં નોંધાવ્યું છે સુરત શહેરના સરથાણા પોલીસે ઝીરો લેવલથી આરોપી દંપતી રિધ્ધિ સુનિલભાઈ રાજાઈ તથા તેના પતિ સુનિલ રાજાઈ વિરૂધ્ધ આઈપીસી કલમ ૩૭૬ (એન) એફ., ૪૯૯, પ૦૭, ૧૧૪ તથા આઈ.ટી. એકટ ૬૬ (ઈ), ૬૭ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ માટે ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ મથકને મોકલી ફરિયાદ મોકલી આપતા પોલીસે આરોપી દંપતી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ જી.કે. ઈસરાણી ચલાવી રહ્યા છે.