(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ઇફ્તાર પાર્ટીથી ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સહિત રાજ્યના ટોચના ઘણા અધિકારીઓ અને મોટા મહેમાનોએ અંતર જાળવી રાખ્યું છે. ઉપરાજ્યપાલ સહિત ટોચના અધિકારીઓ ઇફ્તાર પાર્ટીમાં આવ્યા ન હતા. દિલ્હી સરકાર તરફથી પાલિકા સર્વિસ ઓફિસર્સ ઇન્સ્ટીટયુટમાં સોમવારે યોજવામાં આવેલી ઇફ્તાર પાર્ટીમાં આમ આદમી પાર્ટી (આપ) સિવાય કોઇ મોટા ચહેરા આવ્યા ન હતા. જોકે, પ્રોટોકોલ હેઠળ બધાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રમઝાનના આ પવિત્ર મહિનામાં પણ સરકાર અને અધિકારીઓ વચ્ચેનું અંતર દૂર થઇ શક્યું ન હતું. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ઉપરાજ્યપાલ અનિલ બૈજલ મુખ્યમંત્રીની ઇફ્તાર પાર્ટીમાં સામેલ થયા ન હતા. સાથે જ મુખ્ય સચિવ અંશુ પ્રકાશ અને અન્ય અધિકારીઓ પણ આવ્યા ન હતા. પત્રકારો દ્વારા કોંગ્રેસ સાથે ગઠબંધન વિશે પ્રશ્ન કરવામાં આવ્યો તો, કેજરીવાલે કોઇ જવાબ ન આપ્યો.
દિલ્હી સરકારના પ્રધાન, આમ આદમી પાર્ટીના ઘણા ધારાસભ્યો, કાર્યકરો અને અન્ય આમંત્રિત લોકોએ જ પાર્ટીમાં ભાગ લીધો હતો. ઇફ્તારીથી થોડાક જ સમય પહેલા સીએમ કેજરીવાલ, નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા, આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન પહોંચ્યા હતા. ઇફ્તાર પાર્ટીમાં અનિલ બૈજલ, ભૂતપૂર્વ સીએમ શીલા દિક્ષીત, વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તા અને પોલીસ કમિશનરને હંમેશની જેમ બોલાવ્યા હતા પરંતુ આ ચહેરાઓમાંથી કોઇ પણ ઇફ્તાર પાર્ટીમાં ઉપસ્થિત ન રહ્યા. ઇફ્તાર દરમિયાન કેજરીવાલે જણાવ્યું કે દેશને ધર્મના નામે તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે. રમઝાનના પવિત્ર મહિના દરમિયાન કરવામાં આવેલી બધી દુઆઓ કબૂલ થાય છે. દિલ્હીની જનતા ખુશ અને સ્વસ્થ રહે.