(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
કેન્દ્રીય તપાસ એજન્સી ભાજપના અધ્યક્ષ અમિત શાહને સીધો જ રિપોર્ટ આપે છે. આ પ્રકારના આક્ષેપો અરવિંદ કેજરીવાલે કર્યા છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહને ટોણો મારતા કેજરીવાલે લખ્યું છે કે, પહેલાં ચાલુ થયેલ કેસોમાં મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને જેલ તો મોકલો. કેજરીવાલે જણાવ્યું છે કે, સીબીઆઈએ હવે મોહલ્લા ક્લિનિકની તપાસો શરૂ કરી છે. એના માટે એમણે ૩ લાખ પાનાઓની કોપીઓ તપાસ માટે લીધી છે. જેમાં દર્દીઓની દવાઓની યાદીઓ પણ છે. બધા જ સીએમડીઓ, ર વધારાના ડાયરેકટર, વધારાના સચિવ સમેત બધાને સમન્સ મોકલી પૂછપરછ માટે બોલાવ્યા છે. એમણે વધુમાં લખ્યું કે ‘મોદીજી, દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક બંધ કરાવવા કરતા સમગ્ર દેશમાં મોહલ્લા ક્લિનિકો શરૂ કરાવો. કેજરીવાલે વધુમાં આક્ષેપો કર્યા કે સીબીઆઈ સીધો જ શાહને રિપોર્ટ આપે છે. હું અમિત શાહને પૂછવા માંગું છું કે પહેલાં જે કેસો દાખલ થયા છે એમની બાબત તો જણાવો પછી નવા કેસો દાખલ કરાવો. આપ સરકારનો સ્વાસ્થ્ય સેવાઓ આપતો એક મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. હાલમાં ૧૬પ મોહલ્લા ક્લિનિકો કાર્યરત છે. સરકાર ૧૦૦૦ આવી ક્લિનિકો શરૂ કરવા માંગે છે.