(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
પાકિસ્તાન સાથે ભારે તંગદિલી વચ્ચે ભાજપના કાર્યકરોની મેગા બેઠક યોજવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, પુલવામામાં આતંકવાદી હુમલામાં ૪૦ સીઆરપીએફ જવાનોની શહીદીનો સમગ્ર દેશને દુઃખ છે. ૨૬મી ફેબ્રુઆરીએ આપણી એરફોર્સે બદલો લીધો અને પાકિસ્તાનમાં ઘૂસીને બોમ્બ વરસાવ્યા. પરંતુ ત્યારે દુઃખ વધ્યું જ્યારે પાકિસ્તાને આપણા પાયલટને પકડી લીધો. જ્યારે સમગ્ર દેશ સેના તથા સરકાર સાથે છે ત્યારે આપણા વડાપ્રધાન દેશને મજબૂત કરવાને બદલે તેમની પાર્ટીના પોલિંગ બૂથનો મજબૂત કરવામાં વ્યસ્ત હતા. ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભા ચૂંટણીઓ માટ ભાજપે ગુરૂવારે એક મોટી બેઠક યોજી હતી જેમાં પીએમ મોદીએ કાર્યકરોને ‘મેરા બૂથ સબસે મજબૂત’ સૂત્ર આપ્યુંં હતું. અરવિંદ કેજરીવાલે ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારે તંગદિલી હોવા છતાં આ બેઠક મોકૂફ નહીં રાખવા બદલ વડાપ્રદાન મોદી અને ભાજપની આકરી ટીકા કરી હતી. કેજરીવાલ દિલ્હી વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે બોલી રહ્યા હતા. અરવિંદ કેજરીવાલે ભાજપને ‘ટુકડે ટુકડે પાર્ટી’ ગણાવતા કહ્યું કે, દેશ બે પ્રકારની રાજનીતિ જોઇ રહ્યું છે. એકમાં કેન્દ્ર સરકાર જાતિ અને ધર્મના નામે ભારતના લોકોમાં ભાગલાં પાડી રહી છે. બીજી તરફ આપ પાર્ટી છે જે સ્વાસ્થ્ય, શિક્ષણ, નોકરી, વિજળી અને પાણી પર ધ્યાન આપી આપણા સૈનિકોના સપનાં સાકાર કરી રહી છે. તેઓ બીજાઓને ટુકડે ટુકડે ગેંગ ગણાવે છે પરંતુ તેઓ પોતે જ ટુકડે ટુકડે પાર્ટી છે. ભારતની પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો પર એર સ્ટ્રાઇકને કારણે વડાપ્રધાન મોદીને લોકસભા ચૂંટણીઓમાં ફાયદો થશે અને કર્ણાટકમાં ભાજપને ૨૮માંથી ૨૨ બેઠકો મળશે તેવા ભાજપ અધ્યક્ષ યેદીયુરપ્પાના નિવેદનને ટાંકતા આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલે કહ્યું કે, હું ભાજપને પુછવા માગું છું કે, તેમને ૩૦૦ બેઠકો અપાવવામાં હજુ કેટલા સૈનિકોને તેમના માટે કુરબાની આપવી પડશે. આવી પાર્ટી અને સરકાર પર શરમ આવે છે.