(એજન્સી) તા.૧૦
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નિશાન તાકતાં કહ્યું હતું કે કેટલાક ધનિકોની લોન માફ કરવી હોય તો તેઓ તાત્કાલિક કરી દે છે પરંતુ જ્યારે નગરનિગમના ગરીબ કર્મચારીઓને આપવા માટે તેમની પાસે પૈસા જ નથી હોતા જેઓ છેલ્લા ત્રણ અઠવાડિયા હડતાળ પર છે. ભાજપે કેજરીવાલ પર આરોપ મૂક્યો હતો કે તે કેન્દ્ર દ્વારા ઇડીએમસીને અપાતા ફંડ અંગે જૂઠ્ઠું બોલે છે. પૂર્વ દિલ્હી નગર નિગમના સફાઈકર્મીઓ પગારની નિયમિત ચૂકવણી અને કર્મચારીઓને કાયમી કરવાની માગણી સાથે ૧ર સપ્ટેમ્બરથી હડતાળ પર ઉતરી ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે કેન્દ્રએ નગર નિગમને પ૦૦૦ કરોડ રૂપિયા આપવાના હતા. કેજરીવાલે હિન્દીમાં ટિ્‌વટ કરી કે ગત અઠવડિયે સુપ્રીમકોર્ટની સલાહ પર દિલ્હી સરકારે દિલ્હી નગર નિગમને પ૦૦ કરોડ રૂપિયા આપ્યા. આજે કેન્દ્રએ સુપ્રીમકોર્ટની સલાહ છતાં પ૦૦ કરોડ રૂપિયા ચૂકવવાથી ઈનકાર કરી દીધો. જોકે કેન્દ્ર પાસેથી એમસીડીને પ૦૦૦ કરોડ રૂપિયા લેવાના છે. શું ભાજપની દિલ્હી પ્રત્યે આ જ જવાબદારી છે ? પછી દિલ્હીવાળા તમને લોકસભા ચૂંટણીમાં કેમ વોટ આપે ? તેમણે વધુ એક ટિ્‌વટમાં કહ્યું કે દગો, દિલ્હીની પ્રજા સાથે દગો, એમસીડી ચૂંટણીના સમયે મનોજ તિવારી અને તમામ ભાજપના નેતાઓએ જનતાને જે વાયદો કર્યો હતો કે એમસીડી ચૂંટણી જીતાડો, અમે સીધા મોદીજીથી ફંડ લઇને આવીશું, દિલ્હીને સ્વચ્છ બનાવીશું, હવે કેન્દ્રએ એમસીડી સાથે દગો કર્યો. આ જુમલો સાબિત થઇ ગયો. દિલ્હી વિધાનસભાના વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ કેજરીવાલ પર જૂઠું બોલવાનો આરોપ મૂકતાં ટિ્‌વટ કરી કે દિલ્હીના સીએમએ જુઠું બોલ્યા કે ઇડીએમસીને ૯પ૦ કરોડ રૂપિયા આપ્યા છે. જોકે વાસ્તવિકતા એ છે કે તેમાંથી ૩પ૦ કરોડ રૂપિયા લોન છે. જેના પર વ્યાજખોર દિલ્હીની આપ સરકાર, મજબૂર ઇડીએમસીથી ૧૦.પ૦ ટકાના દરે વ્યાજ લઇ રહી છે.