(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
દક્ષિણ ભારતના પ્રસિદ્ધ ફિલ્મ કલાકાર પ્રકાશ રાજે ફિટનેશ વીડિયો પ્રસિદ્ધ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો હતો. મોદીએ પોતાનો ફિટનેશ વીડિયો વાયરલ કરી કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીને ફિટનેશ પુરવાર કરવા પડકાર ફેંક્યો હતો જે અંગે ટિપ્પણી કરતાં રાજે જણાવ્યું હતું કે સારૂ કામ કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સહકાર આપવા અમલદારોને મોદી તરફથી નિર્દેશ મળવો જોઈએ.
રાજે ટ્‌વીટ કરી લખ્યું હતું કે “સરકારનું યોગ્ય નેતૃત્વ કરવાના બદલે મોદી પોતાની ફિટનેશ વીડિયો વાયરલ કરવામાં વ્યસ્ત છે.” તેમણે ટ્‌વીટ કરી વધુમાં લખ્યું હતું કે પ્રિય સર્વોચ્ચ નેતા અમે જાણીએ છે કે તમે કસરત કરવામાં વ્યસ્ત છો, શું તમે એક મીનિટ બહાર ડોકિયુ કાઢી ઉંડો શ્વાસ લેશો, અને આસપાસ નજર ઘૂમાવશો અને અમલદારોને નસીહત કરશો કે તેઓ કેજરીવાલને સહકાર આપે, (જેઓ ખૂબ સારૂ કામ કરી રહ્યા છે) અને તમારી ફરજ પ્રત્યે પણ ધ્યાન આપે.
રાજે દિલ્હીમાં મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનો અને છેલ્લા કેટલાક સપ્તાહથી દિલ્હીના રાજ્યપાલ અનિલ બૈજલ સાથે જારી તકરારનો પણ ઉલ્લેખ કર્યો હતો. કેજરીવાલ અને તેમની કેબિનેટ આઈએએસ અધિકારીઓની જારી હડતાળ મામલે રાજ્યપાલના હસ્તક્ષેપની માંગ કરી હતી.