(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૨
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યક્રમ ફાઈનલ થઈ જતા અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં વડાપ્રધાન મોદી ટ્રમ્પ સમક્ષ પોતાની લોકપ્રિયતા સિદ્ધ કરવા સ્ટેડિયમ ખાતે યોજાનાર “કેમ છો ટ્રમ્પ” કાર્યક્રમમાં સમગ્ર સ્ટેડિયમ ખીચોખીચ ભરી દેવા માંગતા હોઈ તે માટે ભાજપ તરફથી એક લાખ જેટલા કાર્યકરોને કાર્યક્રમમાં હાજર રહેવાના આદેશો જારી કરાયા હોવાની વિગતો સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. આ ઉપરાંત એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી ટ્રમ્પ-મોદીનો રોડ-શો યોજાઈ રહ્યો છે, ત્યારે તેમાં પણ લાખોની ભીડ ઉપસ્થિત રાખવાની હોઈ તે માટે પણ ભાજપ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોને જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪ ફેબ્રુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે અને તેને લઈને રોડ-શો ગાંધી આશ્રમ મુલાકાત તથા સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભાજપે રાજ્યના અમદાવાદ શહેર ઉપરાંત ૧૩ જિલ્લામાંથી ૧ લાખ ૨ હજાર કાર્યકરોને હાજર રહેવા આદેશ કર્યો છે. આ કાર્યકરોને ૨૪ ફેબ્રુઆરીના રોજ સવારના ૧૦ઃ ૩૦ વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોંચવાનો કાર્યક્રમ ભાજપે જાહેર કર્યો છે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા યુવા મોરચો, પ્રદેશ કારોબારી, ૪૧ જિલ્લાની કારોબારીઓ, ૫૮૦ મંડલોના પદાધિકારીઓ તેમજ વિવિધ રમત-ગમતની ટીમોના ૨૦ હજાર કાર્યકરો સામેલ થશે. અમદાવાદ શહેરમાંથી ૧૫ હજાર, અમદાવાદ જિલ્લામાંથી ૭ હજાર, ગાંધીનગર શહેર-જિ.માંથી ૫ હજાર, સાબરકાંઠા-મહેસાણા જિલ્લામાંથી ૧૦-૧૦ હજાર, વડોદરા શહેર-જિલ્લામાંથી ૧૦ સહિત અન્ય જિલ્લામાંથી મળી કુલ ૮૦થી ૯૦ હજાર કાર્યકરો હાજર રહેશે. જ્યારે યુવા મોરચો, પ્રદેશ કારોબારી, ૪૧ જિલ્લાની કારોબારીઓ, ૫૮૦ મંડલોના પદાધિકારીઓ તેમજ વિવિધ રમત-ગમતની ટીમોના ૨૦ હજાર કાર્યકરો સામેલ થશે. આમ કુલ ૧ લાખ ૨ હજાર કાર્યકરો ટ્રમ્પના કાર્યક્રમ સ્થળે પહોંચશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના આગામી ભારત પ્રવાસ દરમિયાન અમદાવાદ આવવાના છે. મોટાભાગે તેઓ ૨૪ ફેબ્રુઆરીએ સીધા જ લેન્ડ જ અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થશે. અમદાવાદમાં રોકાણ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ વસ્ત્રાપુર સ્થિત હોટેલ હયાતમાં ઉતરશે એ લગભગ નક્કી છે. ટ્રમ્પ તથા વડાપ્રધાન મોદી સાથે મળીને બપોરે ૪.૦૦ વાગ્યે મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્‌ઘાટન કરવાના છે. ત્યારબાદ નરેન્દ્ર મોદીના ‘હાઉડી મોદી’ કાર્યક્રમ તર્જ પર જ અમેરિકન પ્રમુખ માટે ‘કેમ છો, ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ટ્રમ્પ સ્ટેડિયમમાં ઉપસ્થિત ૧ લાખથી પણ વધુ લોકોને સંબોધન કરશે. આશરે બે કલાક ચાલનારા આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી પણ કરાવાશે તેવી ચર્ચા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સરકારી તંત્ર કોઈ કસર છોડી રહ્યું નથી કારણ કે સ્ટેડિયમમાં ખીચોખીચ લોકોને દર્શાવીને વડાપ્રધાન પોતાની લોકપ્રિયતાને પણ સિદ્ધ કરશે એમ મનાય છે. ટ્રમ્પ પણ આજે અમેરિકામાં કહી ચૂક્યા છે કે મોદીએ તેમને કહ્યું છે કે, એરપોર્ટથી સ્ટેડિયમ સુધી રસ્તામાં ૭૦ લાખ જેટલા લોકો તેમનું સ્વાગત કરવા ખડેપગે રહેશે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ તથા વડાપ્રધાન મોદીના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ, મોટેરા ખાતેના કાર્યક્રમને ભવ્ય બનાવવા સરકારી મશીનરી કામે લાગી ગઈ છે. તમામ વિભાગોને અલગ-અલગ કામગીરી સોંપાઈ છે. આમાં મોટેરા સ્ટેડિયમ ખાતે ૧ લાખથી વધુ પબ્લિકને ભેગી કરવાની જવાબદારી રાજ્યના તમામ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોને સોંપવામાં આવી છે. જે-તે ઈચ્છુક વ્યક્તિ આ કાર્યક્રમમાં હાજર રહી શકે. તે માટેની વ્યવસ્થા ઉદ્યોગ કેન્દ્ર કરી રહ્યું છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો પરિપત્ર કરી ઈમેઈલથી લોકોની વિગતો મંગાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.