અમદાવાદ, તા.૧પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરવા તા.ર૪ ફેબ્રુઆરીએ આવવાના છે. ત્યારે ગુજરાત પોલીસે સુરક્ષાની તમામ તૈયારીઓ કરી લીધી છે. અમેરિકાની રિકેટ સર્વિસ, એનએસજી, એસપીજી સહિતના પોલીસ કાફલા સાથે ગુજરાતના ૧૦ હજારથી વધુ પોલીસકર્મીઓ ટ્રમ્પના કાર્યક્રમમાં ખડેપગે રહેશે. સ્ટેડિયમમાં સુરક્ષા માટે ૧ર૦ ડોર ફેમ મેટલ ડિરેકટર સ્કેનિંગ મશીનથી ૧.ર૦ લાખ લોકો સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની તૈયારી ગુજરાત પોલીસે કરી હોવાનું અમદાવાદ શહેરના કંટ્રોલ ડીસીપી વિજયકુમાર પટેલે જણાવ્યું હતું. કેમ છો ટ્રમ્પ કાર્યક્રમને લઈને સુરક્ષાને લઈને તડીપાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમેરિકાની સિક્રેટ સર્વિસના એજન્ટોની બે ટીમ પણ અમદાવાદ આવી ગઈ છે. જ્યારે એસપીજી, એનએસજીની ટીમો પણ અમદાવાદ આવી છે. સ્ટેડિયમમાં આમંત્રણ વિના કોઈને પણ પ્રવેશ અપાશે નહીં અને કાર્યક્રમના ત્રણ કલાક અગાઉ પ્રવેશ લેવો પડશે. કાર્યક્રમની વિગતો આપતાં કંટ્રોલ ડીસીપી વિજયકુમારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઇને તૈયારીઓ ચાલી રહી છે. ૨૫ IPS, ૨૦૦ PI, ૮૦૦ PSI, ૧૦૦૦૦ પોલીસ કર્મીઓ સહિતનો બંદોબસ્ત ૨૪ ફેબ્રુઆરીએ રહેશે. એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. સાથે જ મોટેરા સ્ટેડિયમ પાસે ૧.૫ કિલોમીટર વિસ્તારમાં ૨૮ પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં આમંત્રણ વિના કોઇપણને એન્ટ્રી મળશે નહીં. કાર્યક્રમના ત્રણ કલાક પહેલા જ આમંત્રિત લોકોએ પ્રવેશ લઈ લેવો પડશે. સાથે સ્ટેડિયમમાં પાણીની બોટલ તેમજ ખાણીપીણી સહિતની વસ્તુઓ લઈ જઈ શકાશે નહીં
પ્રેસિડેન્ટ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટથી સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાતે જશે. દરમિયાન એક મોટા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રોડ શો બાદ ટ્રમ્પ અને પીએમ મોદી મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેશે. સ્ટેડિયમ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અલગ અલગ જિલ્લામાંથી નામજોગ આમંત્રણ આપ્યા છે તેમને જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. પોલીસના કાફલાની સાથે Nsgની પણ ટીમો અલગ અલગ જગ્યાએ તહેનાત રહેશે.
મોટેરા સ્ટેડિયમમાં લોકો અંદર પ્રવેશવા માટે ૧૨૦ જેટલા DFMD કેમેરાથી લોકોને સ્કેન કરી અને અંદર પ્રવેશ આપવામાં આવશે. ૧ DFMD કેમેરાથી ૧૦,૦૦૦ લોકોને સ્કેન કરી ચેક કરી અને અંદર પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં L&Tની જે પણ કામગીરી ચાલે છે તેની કામગીરી બે દિવસ પહેલા બંધ કરી ખાલી કરાવી દેવામાં આવશે. L&Tનો ૨૦૦થી ૩૦૦ લોકોનો ટેક્નિકલ સ્ટાફ હાજર રહેશે. જેનું વેરિફિકેશન કરવામાં આવશે. તેઓનું વેરિફિકેશન બાદ જ પાસ આપવામાં આવશે.

ટ્રમ્પના કાફલાના રૂટનું ચેકિંગ
પોલીસની ૭ ટીમ કરશે

મોટેરા સ્ટેડિયમમાં ર૦૦ સીસીટીવી કેમેરા લાગેલા છે ત્યારે સ્ટેડિયમમાં સુરક્ષા માટે અલગથી કંટ્રોલરૂમ શરૂ કરાશે તેમજ સુરક્ષા માટે ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્કવોર્ડની કુલ ૧૦ ટીમ હાજર રહેશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનો કાફલો જે રૂટ પરથી પસાર થવાનો છે. તેવા ઈન્દિરા બ્રિજ અને સુભાષ બ્રિજ સહિત સમગ્ર રૂટનું ચેકિંગ પોલીસની ૭ ટીમો દ્વારા કરાઈ રહ્યુંં છે. એનએસજી અને એસપીજીની ટીમો દ્વારા એન્ટી ડ્રોન ટેકનોલોજી દ્વારા સુરક્ષાનો પહેરો રખાશે, જ્યારે એન્ટી સ્નાઈપર યુનિટ પણ સ્ટેન્ડ ટુ રખાશે.

મેયરે કહ્યું રોડ-શોમાં પ૦ હજાર જ્યારે પોલીસે કહ્યું ર૦ હજાર લોકો હાજર રહેશે

અમદાવાદના પ્રવાસ દરમ્યાન રોડ-શોમાં પ૦થી ૬૦ લાખ લોકો હાજર રહેશે તેવો દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો હતો. તેની સામે અમદાવાદના મેયર બિજલ પટેલે ટ્રમ્પના રોડ-શોમાં પ૦ હજાર લોકો જોડાશે તેવું કહ્યું હતું પરંતુ હવે અમદાવાદના કંટ્રોલ ડીસીપીએ ટ્રમ્પના રોડ-શોમાં ૧પથી ર૦ હજાર લોકો હાજર રહેશે તેવું કહ્યું છે. ત્યારે હવે રોડ-શોમાં ખરેખર કેટલા લોકો હાજર રહેશે તે સવાલ ચર્ચાનો વિષય બન્યો છે.

ટ્રમ્પ ૩ કલાક અમદાવાદમાં રોકાશે

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદમાં આવવાના છે, ત્યારે તેઓ એરપોર્ટથી રોડ-શો કરતા કરતા અડધો કલાકમાં સાબરમતી આશ્રમ જશે ત્યારબાદ ગાંધી આશ્રમમાં અડધો કલાક રોકાણ કર્યા બાદ મોટેરા સ્ટેડિયમ બે કલાક રોકાશે. આમ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં ૩ કલાક રોકાણ કરશે.

એરપોર્ટથી કયા રૂટથી ટ્રમ્પ સાબરમતી અને મોટેરા જશે ?

અમદાવાદ,તા.૧પ
અમેરિકાના રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટે આવશે ત્યારે તેમનું ગાર્ડ ઓફ ઓનરથી સન્માન કરાશે. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે ત્યાર બાદ એરપોર્ટથી સાબરમતી સુધી ટ્રમ્પનો રોડ-શો યોજાશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના રૂટ પર નજર કરીએ તો અમદાવાદ એરપોર્ટથી શાહીબાગ ડફનાળાથી આરટીઓ સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ ર૦ મિનિટ રોકાણ કરશે. ગાંધી આશ્રમથી સાબરમતી રિવરફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટથી એરપોર્ટ સર્કલ- એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજથી કોટેશ્વરથી મોટેરા સ્ટેડિયમનો રૂટ રહેશે. સુરક્ષાની દૃષ્ટિએ જોઈએ તો પોલીસે અલગ જ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયારી કરી છે. આ સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે પૂરતી કાળજી રખાશે. તો સાથે સાથે પોલીસ અધિકારી માટે કોમ્યુનિકેશન માટે એક ચેનલ મેસેજ પણ પાસ થશે. રૂટ પર જયાં જરૂર પડશે ત્યાં સીસીટીવી લગાવાશે અને આ સુરક્ષામાં રપ આઈપીએસ સહિતના અધિકારીઓ તૈનાત રખાશે. એનએસજી અને એસપીજીના અલગ ડ્રોન કેમેરા તૈનાત કરાશે. સ્નાઈપરની એનએસજીની ટુકડીઓ મોટેરા અને ગાંધીઆશ્રમ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.

અમેરિકન પ્રમુખના એરફોર્સ વનની સાથે કુલ ૮ વિમાનો અમદાવાદ એરપોર્ટ પહોંચશે

અમદાવાદ, તા.૧પ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મહેમાન બનવા ઉત્સુક બન્યા છે જેને લઈ અભૂતપૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ અમદાવાદમાં સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની મથકે પણ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમેરિકી પ્રમુખના એરફોર્સ વનની સાથે અન્ય સાત અમેરિકી વિમાનો પણ પહોંચનાર છે. અમદાવાદમાં બપોરની આસપાસ આ વિમાનો પહોંચી જશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એરફોર્સ વન બોઇંગ ૭૪૭ વિમાનમાં અનેક વિશેષતાઓ રહેલી છે. અમેરિકી પ્રમુખની સાથે સાથે તેમના પત્ની પણ આવી રહ્યા છે. સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, અમદાવાદ વિમાની મથકે કુલ ૮ વિમાનો પહોંચશે જેમાં એરફોર્સ વન સહિત બે બોઇંગ ૭૪૭ સામેલ છે. છ કાર્ગો વિમાનો રહેશે. આ કાર્ગો વિમાનોનો ઉપયોગ કાર માટે કરવામાં આવ્યો છે. આ કારનો ઉપયોગ અમેરિકી પ્રમુખ દ્વારા કરવામાં આવનાર છે. અન્ય લોજિસ્ટિક સપોર્ટ માટે પણ આ કાર્ગોનો ઉપયોગ કરાયો છે. અન્ય સામગ્રી માટે પણ આ વિમાનનો ઉપયોગ કરાયો છે. છ કાર્ગો વિમાનોમાં ગ્લોબમાસ્ટર અને હરક્યુલેસ કાર્ગો વિમાનોનો સમાવેશ થાય છે. હરક્યુલેસ વિમાનનો ઉપયોગ પણ જુદા જુદા ઉપયોગ માટે થનાર છે. ચાર કાર્ગો વિમાન એડવાન્સમાં પહોંચશે જ્યારે બાકીના વિમાનો ૨૪મી ફેબ્રુઆરીના દિવસે બે પેસેન્જર વિમાન સાથે પહોંચશે. અમેરિકી પ્રમુખની સુરક્ષા પર નજર રાખવા અમેરિકી સુરક્ષા સંસ્થાઓ પણ તૈનાત રહેશે. પ્રમુખ જેમાં રોકાશે તે અને અન્ય રુમ અમેરિકી પ્રમુખ અને પ્રથમ મહિલા માટે રહેશે.