અમદાવાદ, તા.૧૧
કેમ છો ટ્રમ્પ ? કાર્યક્રમ અંતર્ગત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેની પત્ની સાથે તા.ર૪ અને રપ ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં ટ્રમ્પના કાર્યક્રમને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્રને ખડેપગે રહેવાના આદેશ અપાયા છે, તેમાં સિવિલ હોસ્પિટલમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના ગ્રુપનું બ્લડ પણ તૈયાર રખાશે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પ ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીનાં રોજ ભારતનાં પ્રવાસે આવી રહ્યાં છે. રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતમાં પહેલો પ્રવાસ છે. મળતી માહિતી પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે. વ્હાઇટ હાઉસે ડોનાલ્ડ ટ્રમ્પનાં પ્રવાસ અંગેની ટિ્‌વટ કરીને આ માહિતી આપી છે. જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પ પોતાની આ યાત્રામાં નવી દિલ્હી ઉપરાંત અમદાવાદ પણ આવશે. આ યાત્રા અમેરિકા અને ભારતનાં સંબંધોને વધારે મજબૂત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પની આ ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર ખડેપગે રાખવામાં આવશે. આજે આ મુદ્દે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તમામ ૨૧ વિભાગના વડાઓની એક મહત્ત્તવપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખના બ્લડ ગ્રુપની માહિતી મેળવવામાં આવી હતી. આ બેઠકમાં તમામ અધિકારીઓને રાઉન્ડ ધી ક્લોક હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. ટ્રમ્પની અમદાવાદ મુલાકાત દરમિયાન સિવિલ હૉસ્પિટલમા ખાસ ઓપરેશન થિયેટર તૈયાર કરવામાં આવશે. અચાનક સર્જરીની જરૂર પડે તો તમામ વ્યવસ્થા અગાઉથી કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીના કાફલા સાથે સિવિલ હૉસ્પિટલની એક એમ્બ્યુલન્સ પણ રહેશે. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવો સહીતના મોટા નેતાઓના બ્લડ ગ્રુપનું બ્લડ તૈયાર રખાશે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં સુધી અમદાવાદ નહીં છોડે ત્યાં સુધી સિવિલ હૉસ્પિટલના તમામ વડાઓને ફરજ પર હાજર રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.