(એજન્સી)નવી દિલ્હી, તા. ૪
ચિટફંડ મામલે કોલકાતા પોલીસ કમિશનરના ઘરે સીબીઆઇના દરોડના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ધરણા શરૂ કરતા દેશના વિવિધ વિરોધ પક્ષોએ તેમને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મમતા બેનરજીને ફોન કરીને તેમની સાથે હોવાનું જણાવ્યું હતું. બસપાના પ્રમુક માયાવતી અને એનસીપી નેતા શરદ પવારે પણ મમતા બેનરજી સાથે ફોન પર વાત કરી હતી. રાજીવ કુમારના ઘરે સીબીઆઈની ટીમ પહોંચ્યા બાદ મમતા બેનર્જી કોલકત્તામાં ધરણા પર બેસી ગયાં છે. ત્યારબાદ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો મમતા બનર્જીના સમર્થનમાં ઉતરી આવ્યાં છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ, તેજસ્વી યાદવ સહિત ઘણા વિપક્ષી નેતાઓએ મમતા બેનર્જી સાથે વાત કરીને આ લડાઈમાં તેમની સાથે ઉભા રહેવાનું આશ્વાસન આપ્યું છે. રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી અને તેમના પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કરતાં કહ્યું કે આખુ વિપક્ષ એકસાથે છે અને તે ફાંસીવાદી તાકાતોને હરાવશે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળનો ઘટનાક્રમ ભારતની સંસ્થાઓ પર વડાપ્રધાન મોદી અને ભાજપાના નિરંતર હુમલાઓનો ભાગ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ખભેખભો મીલાવીને મમતા સાથે. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું કે આખો વિપક્ષ એક સાથે ઉભો રહેશે અને ફાંસીવાદી તાકાતોને હરાવશે.
દરમિયાન વિપક્ષના નેતાઓએ મમતાને સમર્થન માટે ટિ્‌વટરન સહારો લીધો છે અને વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યો છે કે, તેઓ સીબીઆઇનો દુરૂપયોગ કરી રહ્યા છે. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાહે કહ્યું છે કે, ભારતની સમવાયતા માટે મુખ્યમંત્રીને આટલું ઓછું માન આશ્ચર્યજનક છે. તેમણે ધરણાનું સમર્થન કરતા મોદી સરકાર પર સીબીઆઇના દુરૂપયોગનો આરોપ લગાવ્યો હતો. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ચૂંટણી એજન્ટ તરીકે સીબીઆઇના દુરૂપયોગનો ભાજપ પરઆરોપ મુક્યો જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ મુક્યો કે, મોદી-શાહની જોડી લોકશાહી વિરોધી કામ કરી રહી છે. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, આ આશ્ચર્યજનક છે અને અમે તેની નિંદા કરીએ છીએ. અમે બંધારણ અને દેશની સમવાયતા બચાવવા તથા તેની જાળવણી કરવાના મમતા બેનરજીના વલણને ટેકો આપીએ છીએ. આરજેડીના નેતા તેજસ્વી યાદવે પણ મમતાને સમર્થન કર્યું હતું. આતમામ નેતાઓ ૧૯મી જાન્યુઆરીની મમતા બેનરજીની રેલીમાં હાજર રહ્યા હતા.

કેન્દ્ર પાસેથી અમે કોઇપણ ભંડોળ લઇશું નહીં : મમતા

(એજન્સી) કોલકાતા, તા. ૪
કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકાર વિરૂદ્ધ બંધારણ બચાવો ધરણા ચાલુ રાખતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે કહ્યું કે, કોઇપણ યોજના અંતર્ગત અમે કેન્દ્રની સરકાર પાસેથી કોઇપણ પ્રકારનું ભંડોળ લઇશું નહીં. કોલકાતાના મેટ્રો ચેનલ સ્ટેશન બહાર આખી રાત ધરણા પર બેઠેલા મમતાએ જાહેર રેલીને સંબોધિત કરતા કહ્યું કે, કેન્દ્રને લગતી કોઇપણ યોજના માટે અમે ભંડોળ લઇશું નહીં તેવો નિર્ણય કર્યો છે. તેમણે વડાપ્રધાન મોદીની કેન્દ્ર સરકાર પર ખેડૂતોના હકો છીનવી લેવાનો આરોપ લગાવ્યો હતો. મમતા બેનરજીએ કહ્યું કે, મોદી સરકારે ખેડૂતોના હક છીનવ્યા છે. ૧૨,૦૦૦થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ખેડૂતોની જમીનો લઇ લેવામાં આવે છે. ૨૦૦૬માં ખેડૂતોની જમીન પરત અપાવવા માટે ૨૭ દિવસ સુધી ધરણા કર્યા હતા. ઘણા ખેડૂત પરિવારોને કોઇ મદદ વિના તરછોડી દેવાયા છે. ખેડૂતોના અધિકારોને નહીં છીનવાની પરવાનગી આપનારી અમારી એકમાત્ર સરકાર છે. અમે ખેડૂતોને વર્ષે ૫,૦૦૦ રૂપિયા મળે તેવી ક્રિષી બંધુ યોજના શરૂ કરી છે. આ માટે અમે ૩૦,૦૦૦ ચેક આપ્યા છે. બંગાળ ફસલ યોજના હેઠળ રાજ્ય સરકારે ૮૦ ટકા પ્રિમિયમ આપ્યું છે. અમે કૃષિ પેન્શન શરૂ કર્યું છે જેમાં ખેડૂતોને મહિને ૧,૦૦૦ રૂપિયા મળે છે. અમે ખેડૂતોને સીધા ફાયદા માટે ચોખા ખરીદી રહ્યા છીએ. કોઇપણ ગરબડ ના થાય તે માટે અમે ચેકથી નાણા આપીએ છીએ. મમતાએ વચગાળાના બજેટને કપટ ગણાવી દાવો કર્યો કે, કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી યોજનાઓ પુરી થવાની નથી કારણ કે આ માટે ભંડોળ જ નથી. પોતાની સરકાર સામે પોલીસને ઉતારવાનો મોદી પર આરોપ લગાવતા મમતાએ સીબીઆઇ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણને પગલે વિરોધ શરૂ કર્યો છે.