(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
દિલ્હીમાં સર્વિસ વિભાગના નિયંત્રણ અંગે અંતિમ નિર્ણય લેતા કેન્દ્ર સરકારે જણાવ્યું કે આ બાબત સુપ્રીમકોર્ટમાં હજી પણ પડતર હોવાથી તે કાયદાની વિરૂદ્ધમાં છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે એક પત્રકાર પરિષદમાં દાવો કર્યાના કલાકોમાં જ કેન્દ્ર તરફથી ઉપરોક્ત નિવેદન કરવામાં આવ્યું છે. કેજરીવાલે એવોે દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટી (આપ)ના નેતૃત્વવાળી દિલ્હી સરકારને સર્વિસિસ વિભાગોનું નિયંત્રણ આપવાનો ઇનકાર કરીને કેન્દ્ર અને દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સુપ્રીમકોર્ટના આદેશોનો ભંગ કરી રહ્યા છે. બૈજલે તેમની તરફ દોરીને જણાવ્યું હતું કે સુપ્રીમકોર્ટની નિયમિત બેંચ ગૃહ મંત્રાલયના ૨૦૧૫ના જાહેરનામા અંગે આદેશ નહીં આપે ત્યાં સુધી સર્વિસિસ વિભાગનું નિયંત્રણ તેમની પાસે જ રહેશે. ગૃહ મંત્રાલયના જાહેરનામામાં દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર અંગે નિર્ણય લેવાની સત્તા ઉપરાજ્યપાલને આપવામાં આવી હતી. એક નિવેદનમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે મંત્રાલયે સુપ્રીમકોર્ટના આદેશના કોઇ પણ ભાગની અવગણના કરવાની ઉપરાજ્યપાલને સલાહ આપી નથી અને કેજરીવાલના નિવદેનો ગેરમાર્ગે દોરનારા છે. ગૃહ મંત્રાલયે ઉપરાજ્યપાલ પાસેથી મળેલા રેફરેન્સને આધારે કાયદાનું પાલન કરવાની તેમને સલાહ આપી છે.