(એજન્સી) નવી દિલ્હી, ૨૩
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રપમી ઓગસ્ટે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઇ રહ્યા છે. પરંતુ તેઓ કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારમાં સામેલ થઇ રહ્યા નથી. તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી ચાલુ રાખશે.
તેમની નજીકના વર્તુળોએ બુધવારે જણાવ્યું હતું કે, અમિત શાહે લખનૌમાં એક વખત કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રીય પ્રમુખ જ રહેશે. તેઓ મોદી મંત્રીમંડળનો હિસ્સો બનશે નહીં. આજે ફરીથી તેમનો ઇરાદો જાહેર થયો છે. અમિત શાહ કેન્દ્રીય મંત્રીમંડળનો હિસ્સો બનવાના નથી, તેઓ પાર્ટીના સંગઠનની જવાબદારી નિભાવશે. તેવું સ્પષ્ટ કહ્યાનું બહાર આવ્યું છે. રાજ્યસભાની ચૂંટણીમાં વિજયી થયા બાદ ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે રાજીનામું આપ્યું. ત્યારે એવી અટકળો વહેતી થઇ હતી કે અમિત શાહ કેન્દ્રમાં કેબિનેટ મિનિસ્ટર બનશે અને તેમને ડિફેન્સ કે હોમ ડિપાર્ટમેન્ટનો ચાર્જ આપવામાં આવશે. જો કે અમિત શાહના અત્યંત નજીકના એક વ્યકિતએ એવી અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા કહ્યંુ હતું કે અમિત શાહ ભલે રાજ્યસભામાં ગયા હોય, પરંતુ તેઓ પાર્ટીના સંગઠનમાં કામ કરીને ગુજરાત સહિતના રાજ્યોની વિધાનસભા તેમજ આવનારી લોકસભા ર૦૧૯માં મહત્ત્વની ભૂમિકા અદા કરશે.
ગુજરાતના આ નેતા નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ છે અને તેમને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળશે તેવી વાતનો ઇન્કાર કરતાં આ સૂત્રો કહે છે કે અમિત શાહ તેમને સોંપેલી જવાબદારી જ નિભાવશે અને ર૦૧૯માં ભાજપને ફરીથી સત્તા પર લાવવામાં અને બેઠકો વધારવામાં મદદરૂપ થશે. પાર્ટીમાં તેમના સંગઠનના કાર્યોની કદર કરવામાં આવે છે, અમિત શાહનું હાલનું લક્ષ્ય માત્રને માત્ર ગુજરાત વિધાનસભામાં ૧પ૦ પ્લસનો ટાર્ગેટ પૂર્ણ કરવાનું છે અને ભારતના રાજ્યોમાં યાત્રા કરીને લોકસભામાં અને રાજ્યસભામાં બેઠકો વધારવાનું અભિયાન છે.
આમ પણ કેન્દ્રના કોઇ એક ખાતાના પ્રધાન કરતા તેમની હાલની રાષ્ટ્રીય પ્રમુખ તરીકેનું સ્તર-વજન સત્તા અમાપ અને પ્રચંડ હોવાનું સર્વવિદિત છે.
કેન્દ્ર સરકારમાં હું મંત્રી બનવાનો નથી : અમિત શાહ

Recent Comments