(એજન્સી) નવી દિલ્હી, તા.ર
માનવ અધિકાર કાર્યકર તિસ્તા સેતલવાડે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા અનુસ્નાતક અને ડોક્ટરોલની શિષ્યવૃત્તિમાં કાપ મૂકવા પાછળ સરકારનો ઈરાદો કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો છે.
‘ફ્રીડમ ઓફ સ્પીચ, માય રાઈટ’ વિષય પર સીપીએમના મુખપત્ર ‘ગણશક્તિ’ દ્વારા આયોજિત ચર્ચા સભામાં બોલતા સેતલવાડે જણાવ્યું હતું કે, આપણા લોકશાહીના તમામ માળખા વધુ લોકશાહીયુક્ત બનવાના બદલે ફાસીવાદયુક્ત બનતા જાય છે. માત્ર જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં બનેલી ઘટના જ નહીં પણ ઘણી બધી કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં બનેલી ઘટનાઓ આ વાતનો પુરાવો છે. સરકારને ફાસવાદી નીતિ સામે આજના યુવા વિદ્યાર્થીઓ તરફથી જબરદસ્ત લડત મળી રહી છે. ગત વર્ષે યુજીસી દ્વારા રપ,૦૦૦ જેટલી શિષ્યવૃત્તિઓ પર કાપ મૂકવામાં આવ્યો હતો અને આ આંકડો ગત વર્ષનો છે અને હવે ૩પ,૦૦૦ જેટલી શિષ્યવૃત્તિ પર કાપ મૂકવામાં આવે તેવી શક્યતા છે જેથી સ્પષ્ટ છે કે, હવે તમને કનૈયાકુમાર, રોહિત વેમુલા, શૈયલા રશીદ અને ઉમર ખાલિદ જેવા વિદ્યાર્થીઓ મળી શકશે નહીં. જેઓ સિસ્ટમ સામે અવાજ ઉઠાવવાની સમજ ધરાવતા હતા. સેતલવાડે આશ્ચર્ય સાથે જણાવ્યું હતું કે, ટોળા દ્વારા થતી હત્યાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. જેમ કે, અખલાક અહેમદની ઘટના, મુહમ્મદ ઐયુબ સાથે થયેલી ઘટના, પહલૂખાનની ઘટના, જુનૈદખાનની ઘટના મુખ્ય છે. અગાઉ આવી કોઈ ઘટના બનતી ન હતી. મે ર૦૧૪ પહેલા આવી કોઈ ક્રૂરતાની ઘટનાઓ બનતી ન હતી. કેમ કે હવે કટ્ટરવાદી લોકો જાણે છે કે, ટોચ પર બેઠેલા લોકો તેમને રક્ષણ પૂરું પાડશે.
ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલીના પૂર્વ તંત્રી પ્રનજોય ગુહા ઠાકુરતાએ જણાવ્યું હતું કે, હાલના શાસનમાં કાયદાનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલના દિવસોમાં કાનૂની નોટિસ સામાન્ય બાબત બની ગઈ છે. મને યાદ નથી કે, કોંગ્રેસના શાસનમાં વાણી સ્વતંત્રના સામે બદનક્ષીનો દાવો ક્યારે થયો હશે. અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ વિરૂદ્ધ લડતા લોકોને આપણે સમર્થન આપવાની જરૂર છે.