(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે વિપક્ષી નેતાઓને ઘેરવાના પ્રયાસો શરૂ કર્યા છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર સીબીઆઈ અને ઈડીને તમામ મુખ્ય વિપક્ષી નેતાઓના ભ્રષ્ટાચાર સંબંધી કેસોના અહેવાલ ચાર મહિનામાં રજૂ કરવા કહેવાયું છે. જે મામલાઓમાં અધિકારીઓએ અત્યાર સુધી કોઈ અહેવાલ સોંપ્યો નથી. તેમની પાસે આ માટે કારણ માંગવામાં આવ્યા છે. આ અંગે સીબીઆઈના વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના વિવિધ પ્રાંતના અધિકારીઓની બેઠક યોજી રહ્યા છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા અનિલ શ્રીવાસ્તવનું કહેવું છે કે, કેન્દ્રમાં ૪ વર્ષથી મોદી રાજ છે. આ ચાર વર્ષોમાં કેમ કશું ન કર્યું. અત્યાર સુધી કંઈ જ ન કર્યું અને હવે લોકસભા ચૂંટણીઓ પહેલાં વિપક્ષી નેતાઓને બીવડાવવા માટે આ કરી રહ્યા છે જેથી તેઓ એકજૂથ ન થાય. મોદી સરકાર એક તરફ આ પગલાં ભરી રહી છે અને બીજી તરફ લલિત મોદી, વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ભાઈને ભગાડી મૂકયા. આ તો આમના રાજમાં થયું છે.