(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૩
ટ્રિપલ તલાક બાબતે ઘડાયેલ નવા કાયદા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક બીજી અરજી દાખલ કરાઈ હતી. કાયદા હેઠળ ટ્રિપલ તલાક દ્વારા તલાક દ્વારા તલાક આપનારને ત્રણ વર્ષની સજા થઈ શકે છે. ટ્રિપલ તલાકને ગુનો ગણવા બદલ કેટલાક મુસ્લિમ ધાર્મિક સંગઠનો વિરોધ કરી રહ્યા છે. અરજદારોએ રજૂઆત કરી કે આ કાયદો મુસ્લિમ પતિઓના મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે. આ કાયદો બંધારણના અનુચ્છેદ ૧૪, ૧પ અને ર૧નો ભંગ છે. જેથી રદ કરવો જોઈએ. બંને અરજીઓ ત્યારે દાખલ થઈ જ્યારે રાષ્ટ્રપતિએ આ બિલ ઉપર સહી કરી હતી. સુપ્રીમકોર્ટમાં આ સદર્ભે ૪ અરજીઓ દાખલ થઈ છે. સુપ્રીમકોર્ટે સુનાવણી માટે સંમતિ આપી છે. કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પણ મોકલાવી છે. એક અરજી જમીયત ઉલેમા-એ-હિન્દે પણ દાખલ કરી છે. વકીલ એઝાઝ મકબૂલ દ્વારા દાખલ કરાયેલ અરજીમાં દાવો કરાયો છે કે સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ઠરાવ્યું હોવાથી આ કાયદો ઘડવાની જરૂર જ નથી. આ કાયદા હેઠળ એક ધર્મના વ્યક્તિઓને દંડ કરવાની જોગવાઈ છે.
કેરળના એક મુસ્લિમ સંગઠને જણાવ્યું છે કે આ કાયદો મુસ્લિમો માટે છે જેનો ઉદ્દેશ્ય ટ્રિપલ તલાકને ખતમ કરવાનો નથી પણ મુસ્લિમ પતિઓને સજા આપવાનો છે.
કેટલાક ધાર્મિક સંગઠનોની સાથે ઘણા બધા મુસ્લિમ નેતાઓ અને વિપક્ષી દળોએ પણ સંસદમાં આ કાયદાનો વિરોધ કર્યો હતો.