(એજન્સી) મુંબઈ, તા.ર૩
બોમ્બે હાઈકોર્ટે ડેબ્ટસ રિકવરી ટ્રિબ્યુનલની કામગીરી બંધ થઈ જવા બદલ નારાજગી દર્શાવી. છેલ્લા એક મહિનાથી ડીઆરટીની કામગીરી બંધ છે. એક મહિના પહેલાં ડીઆરટીની ઓફિસમાં આગ લાગી હતી જેના લીધે કામગીરી બંધ રહેતા હાઈકોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે શું નાણામંત્રી ઉંઘી રહ્યા છે. આટલી મહત્ત્વપૂર્ણ ટ્રિબ્યુનલની કામગીરી બંધ પડી છે એ તરફ ધ્યાન જ નથી અપાતો. કોર્ટે કહ્યું કે, મુંબઈને દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખવામાં આવે છે અને શહેરની ડીઆરટી બંધ પડી છે જે બેંકો, નાણાંકીય સંસ્થાઓ અને એમના ગ્રાહકોના વિવાદો ઉકેલે છે. ડિવિઝન બેંચ ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ બાર એસોસિએશન દ્વારા દાખલ થયેલ અરજીની સુનાવણી કરી રહી હતી. એસોસિએશને હાઈકોર્ટ સમક્ષ માગણી કરી કે કેન્દ્ર સરકારને સૂચના આપવામાં આવે કે નવા સ્થળની તાત્કાલિક શોધ કરી ટ્રિબ્યુનલ શરૂ કરવામાં આવે. રજી જૂને ટ્રિબ્યુનલના સ્થળ સિંધિયા હાઉસમાં આગ લાગી હતી જેના લીધે ત્યાં કામગીરી બંધ પડેલ છે. હાઈકોર્ટે તીખી ટિપ્પણી કરતાં કહ્યું કે સરકારે બધુ પોતે કરવું જોઈએ જેથી અમારી પાસે મામલાઓ નહીં આવે અને એમને આદેશો નહીં આપવા પડે.