(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૯,
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોંચતા ચૂંટણીની તૈયારીની કામગીરીની સમીક્ષા અર્થે બેઠકોનો દોર યોજ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીઓ સહિતના સંબંધિતો સાથે બેઠકો યોજવા ઉપરાંત રાજકીય પક્ષો સાથે પણ બેઠક યોજી તેમના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા. જેમાં ભાજપ તરફથી મતદાનનો સમય વધારવાની માંગ કરાઈ હતી તો કોંગ્રેસ તરફથી કોઈ તોફાન ન થાય તેની તકેદારી રાખવા તથા સહકારી ક્ષેત્રના કર્મચારીને ચૂંટણી કામગીરીમાં ન રાખવા અને અઢી લાખથી વધુ ચૂંટણીકામમાં જોડાયેલ કર્મચારીઓને મતદાનનો હક આપી પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવો સહિતની રજૂઆતો કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે આજથી બે દિવસ માટે ભારતીય ચૂંટણી પંચની કમિટી ગુજરાતની મુલાકાતે આવી છે. આજે ચૂંટણી પંચની ટીમે અમદાવાદમાં રાજકીય પક્ષો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજીને તેમના અભિપ્રાય મેળવ્યા હતા. ત્યારબાદ ગાંધીનગરમાં પણ જુદી જુદી બેઠકો યોજી હતી. ચૂંટણી તૈયારીની સમીક્ષા હાલમાં કરવામાં આવી રહી છે. હવે રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમ કોઇપણ સમયે જાહેર કરવામાં આવી શકે છે. આ કમિટમાં ગુજરાત ખાતે આવેલા મુખ્ય ચૂંટણી કમિશનર એ કે જાતિના હસ્તે ઈવીએમ અને વીવીપેટની મતદારાને જાગૃતિ આપતી વાનનું આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. ભારતીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે.જાતિ અને તેમની ટીમે દ્વારા આજરોજ અમદાવાદ ખાતે રાજકીય પક્ષોના સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ગુજરાત કોંગ્રેસ વતી બાલુભાઈ પટેલ, જીતુભાઈ પટેલ સહિતનાઓ વગેરે રજૂઆતમાં જોડાયા હતા. કોંગ્રેસની રજૂઆત હતી કે રાજ્યમાં પ૦૧ર૮ જેટલા મતદાન મથકો છે તમામ મતદાન મથકો પર તથા તેને સંલગ્ન વ્યવસ્થામાં કુલ અઢી લાખથી વધુ કર્મચારીઓ ફરજ પર હોય છે. તેથી આ કર્મચારીઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે મતદાન પૂર્વેની તાલીમ વખતે જે તે તાલીમ સ્થળે જ બેલેટથી તેમની પાસે મતદાન કરાવી લેવું જોઈએ. કોન્ટ્રાકટર પદ્ધતિથી કામ કરતા કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવા જોઈએ. સહકારી ક્ષેત્રમાં રાજકીય પ્રભાવ હોવાથી તે ક્ષેત્રના કર્મચારીઓને પણ ચૂંટણી કામગીરીમાં જોડવા હિતાવહ નથી. ઈવીએમ અને વીવીપેટનું રેન્ડમલી ચેકિંગ કરવું જોઈએ. ઈવીએમ અને વીવીપેટના મતના આંકડા ઉમેદવારના નામ સહિત સરખા છે કે નહિ ? તેની તપાસ કરવી જોઈએ લોકપ્રિય પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ મુજબ ચૂંટણી પંચ જે તે મતદારને સાંભળ્યા વગર તેનું નામ મતદાર યાદીમાંથી રદ કરી શકે તેવી કોંગ્રેસની રજૂઆત છે.
EVM-VVPATનું નિદર્શન કરતાં રથનું કરાયું પ્રસ્થાન
કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે. જોતિના હસ્તે ઈવીએમ અને વીવીપેટની મતદારોને જાગૃતિ આપતી વાનનું ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.આ રથ રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારોમાં ફરશે. આ રથમાં ઈ.વી.એમ. મશીનથી કેવી રીતે મત આપી શકાય, મત આપ્યા બાદ આપ વીવીપેટમાં છપાતી કાપલી કેવી રીતે જોશો અને મતદાર અંગેની જાગૃતિ અને વીવીપેટ અંગેની જાગૃતિ માટે સૂત્રો લખવામાં આવ્યા છે.