(એજન્સી) તા.૮
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયે શાળા-કોલેજો, આઈટીઆઈ, કૌશલ વિકાસ કેન્દ્રો, સદ્દભાવ મંડળ અને હુન્નર હબ બનાવવા માટે વકફની યોજના બનાવી છે. લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ સોમવારે કહ્યું હતું કે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ આ બધાનું બાંધકામ કરવામાં આવશે. નકવીએ કહ્યું હતું કે, ગયા અઠવાડિયામાં કેબિનેટે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમને મંજૂરી આપી હતી જેમાં વકફની સંપત્તિનો ઉપયોગ કરવાની જોગવાઈ છે. દેશના લગભગ ૩૦૮ જિલ્લાઓ, ૮૭૦ બ્લોક, ૩૩૧ નગરો અને હજારો ગામોને પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમમાં આવરી લેવામાં આવ્યા છે. નકવીએ કહ્યું હતું કે, આ યોજનાને કારણે સમાજના ફાયદા માટે થતાં વકફની સંપત્તિના ઉપયોગમાં વધારો થશે. દેશમાં લગભગ પ.૭૧ લાખ નોંધાયેલી વકફ સંપત્તિઓ છે. આ યોજનાનો અમલ સરળતાથી થાય તે માટે વકફના કાયદાઓ સરળ બનાવવામાં આવશે. આ નવી યોજના હેઠળ જે મુતવલ્લી વકફની સંપત્તિનો સારી રીતે ઉપયોગ કરશે તેને સરકાર એવોર્ડ આપશે અને આ એવોર્ડ કાર્યક્રમ દર વર્ષે યોજાશે. વકફની સંપત્તિઓનું ડિજિટલાઈઝેશન કરવા માટે સેન્ટ્રલ વકફ કાઉન્સિલ રાજ્યોના વકફ બોર્ડને નાણાંકીય સહાય પૂરી પાડશે. નકવીએ કહ્યું હતું કે, લઘુમતી બાબતોનું મંત્રાલય અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલ એવી સંસ્થાઓને પણ મદદ કરશે જે વફકની સંપત્તિ પર સ્થાપવામાં આવી છે અને જે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે.

સિદ્ધારમૈયાનો વડાપ્રધાન પર પ્રહાર : ભાજપના શાસનમાં લઘુમતીઓને ડરાવવામાં આવ્યા છે

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોમવારે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના લઘુમતી સમુદાયો ભય અનુભવી રહ્યા છે. સિદ્ધારમૈયાએ ભાજપને કોમવાદી પાર્ટી ગણાવતા કહ્યું હતું કે, તે દેશની કોમી સંવાદિતાને ભયમાં મૂકી રહી છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ એક કોમવાદી પાર્ટી છે જે ધર્મો અને સમુદાયોને એકબીજા સાથે લડાવે છે અને સમાજમાં રહેલી સમાનતાનો ધ્વંસ કરે છે. આ પ્રકારની પાર્ટીનો નેતા વડાપ્રધાન છે. છેલ્લા ચાર વર્ષથી રાજકીય બાબતો વડે લઘુમતીઓને ડરાવવામાં આવી રહ્યા છે. એટ્રોસિટીના કાયદા હેઠળ જો જાતિ સંબંધી હિંસા થાય તો આરોપીની તરત જ ધરપકડ થવી જોઈએ. પરંતુ તેઓએ કાયદાને નબળો પાડી દીધો અને વડાપ્રધાન કશું બોલ્યા નહીં. સિદ્ધારમૈયાએ કહ્યું કે, ભાજપ સામાજિક ન્યાય, ગરીબોનું કલ્યાણ અને સમાજવાદમાં વિશ્વાસ રાખતો નથી. અનંતકુમાર હેગડે ગ્રામ પંચાયતના નેતા બનવાને લાયક નથી. આમ છતાં ભાજપે તેમને કેન્દ્રીય મંત્રી બનાવ્યા છે. જો નરેન્દ્ર મોદી બંધારણમાં ફેરફાર કરશે તો દેશમાં રકતપાત થઈ જશે.

જંગલ વિભાગે ચિત્તા કેમ્પમાં આવેલી ઝૂંપડપટ્ટી તોડી
પાડતાં ૬૦૦ મુસ્લિમ પરિવારો ઘરવિહોણા બન્યા

અસરગ્રસ્તોના પુનઃવસવાટની કોઈપણ વ્યવસ્થા કર્યા વગર મહારાષ્ટ્ર સરકારના જંગલ વિભાગે મુંબઈના મેન્ગ્રોવ વિસ્તારમાં આવેલી વસાહત તોડી પાડવાની શરૂઆત કરી છે. ૭ મેના દિવસે ચિત્તા કેમ્પમાં આવેલા ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઝૂંપડપટ્ટીમાં ૬૦૦ મુસ્લિમ કુટુંબો રહેતા હતા. જંગલ વિભાગે આ પણ જાહેરાત કરી હતી કે આવનારા દિવસોમાં કન્નમવરનગરમાં આવેલી ભીમછાયા ઝૂંપડપટ્ટીને પણ તોડી પાડવામાં આવશે. આ ઝૂંપડપટ્ટીમાં ૮૦૦ દલિત કુટુંબો રહે છે. મુંબઈ સ્થિત એનજીઓ ઘર બચાવો, ઘર બનાવો આંદોલનના પ્રતિનિધિ બિલાલખાને કહ્યું હતું કે સરકારના આ પગલાંએ ગરીબોને ઘરવિહોણા કરી દીધા છે. તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર બધા માટે ઘર અને વ્યાજબી ભાવે ઘર આપવાના દાવા કરતી હોવા છતાં આજે ચિત્તા કેમ્પમાં રહેતા કુટુંબો ઘરવિહોણા બન્યા છે. આ બધા વસાહતીઓ રેશન કાર્ડ ધરાવે છે. તેના મુજબ આ લોકોની વાર્ષિક આવક એક લાખ રૂપિયા કરતા ઓછી છે. આ ગરીબ લોકો મુંબઈમાં અન્ય ઘર કેવી રીતે મેળવી શકશે. ખાને કહ્યું હતું કે દેશમાં રહેલા દલિત અને લઘુમતી સમુદાયોના એકમાત્ર આશ્રયસ્થાનને તોડીને આ સરકાર તેઓની મુશ્કેલીઓની અવગણના કરી રહી છે.