અમરેલી, તા.ર૮
અમરેલી સર્કિટ હાઉસ ખાતે આજે કેન્દ્રીય કૃષિ મંત્રી રુપાલાએ પ્રેસ કોન્ફ્રન્સ કરી દેશના અર્થ તંત્ર માટે સરકાર દ્વારા કોર્પોરેટર ટેક્ષ ઓછો કરી અર્થતંત્રને પ્રોત્સાહિત કરેલ હોવાનું જણાવેલ હતું. વધુમાં જણાવેલ હતું કે હાલમાં ચીન અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વોરને કારણે જે કંપનીઓએ ચીનમાં રોકાણ કર્યું હતું તે હવે અન્ય દેશો તરફ વળી રહી છે. જેના કારણે ભારતમાં અન્ય દેશોનું મૂડીરોકાણનું પ્રમાણ વધી રહ્યું છે.
નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને કેટલાક ઐતિહાસિક નિર્ણય લીધા છે. જેનાથી દેશના અર્થતંત્રને પ્રોત્સાહન મળ્યું છે. ૨૦૧૪માં ભારત દુનિયામાં સૌથી વધુ ટેક્સ રેટ ધરાવતો દેશ હતો પરંતુ હવે કેન્દ્ર સરકારે કૉર્પોરેટ ટેક્સ ઓછો કરીને ૨૨ ટકા કરી દીધો છે. આ ઉપરાંત નવા ઉભા થતાં ઉત્પાદન એકમો માટે કૉર્પોરેટ ટેક્સ ૧૫ ટકા કરી દેવામાં આવ્યો છે. જેનાથી હવે દુનિયાના સૌથી ઓછા ટેક્સ માળખા ધરાવતા દેશોમાં ભારતે સ્થાન મેળવ્યું છે. બેંકના મર્જર વિશે જણાવતા કૃષિ મંત્રી શ્રી રુપાલાએ જણાવ્યું કે સાર્વજનિક ક્ષેત્રની ૧૦ બેંકોનું વિલીનીકરણ કરી ૪ બેંક બનાવવામાં આવી છે. આમ કરવાથી દેશમાં બેંકોની સંખ્યા જે વર્ષ ૨૦૧૭માં ૨૭ હતી તે હવે ૧૨ થઇ જશે. વધુમાં જણાવ્યું કે સરકાર બજારમાં ૫ લાખ કરોડ રૂપિયાની લિક્વિડિટી વધારવાના હેતુથી સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં ૭૦,૦૦૦ કરોડ રૂપિયા જમા કરશે, જેનાથી કોર્પોરેટ છૂટક ઉધાર લેનારાઓ, એમ.એસ.એમ.ઈ. તથા નાના વેપારીઓ વગેરેને લાભ થશે. તેમણે કહ્યું કે સરકારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે તમામ ઈલેક્ટ્રિક વાહનો પર જીએસટી રેટ ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી દીધો છે. પરિણામે ઈલેક્ટ્રોક વાહનોની માંગમાં વધારો થયો છે, જે પર્યાવરણ માટે પણ લાભદાયક છે. ગુજરાતમાં ડાયમંડ ઉદ્યોગ મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડે છે અને તેને પ્રોત્સાહન આપવા માટે ડાયમંડ ક્ષેત્રમાં જીએસટી ૫ ટકાથી ઘટાડી ૧.૫ ટકા કરવામાં આવ્યો છે.