નવી દિલ્હી, તા. ૧૫
કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે મુસ્લિમ મહિલાઓ માટે (પ્રોટેક્શન ઓફ રાઇટ્‌સ ઓફ મેરેજ) બિલ ૨૦૧૭ને મંજૂરી આપી દીધી છે જેમાં વર્તમાં તલાક પ્રથાને અપરાધ ગણાવાઇ છે. આ બિલ ચાલુ શિયાળુ સત્રમાં મુકાય તેવી સંભાવના છે.
ટ્રિપલ તલાક બિલ અંગે જાણવા જેવું :
૧. તલાક એ બિદ્દત આપનાર વ્યક્તિને વધુમાં વધુ ત્રણ વર્ષની જેલની સજા અને દંડની જોગવાઇ.
૨. નવો પ્રસ્તાવિત કાયદો હવે કોગ્નીઝેબલ અને બિનજામીનપાત્ર ગુનો ગણાશે.
૩. બિલ કહે છે કે, ટ્રિપલ તલાક કોઇપણ રીતે જેમ કે, મૌખિક, લેખિત કે ઇમેલ, વોટ્‌સએપ અને મેસેજ દ્વારા આપ્યા હોય તે ગેરકાયદે અને નિરર્થક ગણાશે.
૪. કોઇ પુરૂષ બળજબરીથી મહિલાને ઘરમાંથી કાઢી મુકે તો મુસ્લિમ પીડિત મહિલાએ કોર્ટ પાસે ન્યાય માગી યોગ્ય વળતર અને પોતાના સગીર બાળકોની કસ્ટડી માગવાની પરવાનગીનો અધિકાર આ પ્રસ્તાવમાં છે. તે મહિલાને ન્યાયિક રીતે વળતર અને બાળકોની કસ્ટડી માગવાનો અધિકાર આપે છે.
૫. આ બિલને કાયદો બનાવવા માટે સંસદના ચાલુ સત્રમાં બંને ગૃહોમાં મુકવામાં આવશે.
૬. સંસદમાં જો એકવાર આ પ્રસ્તાવ પસાર થશે તો જમ્મુ-કાશ્મીરને બાદ કરી તમામ રાજ્યો માટે તેના કાયદા લાગુ પડશે.
૭. આ બિલને સમર્થન કરનારા રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડ, મણિપુર અને આસામનો સમાવેશ થાય છે.
૮. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે પ્રવર્તમાન ટ્રિપલ તલાકને ૩ :૨થી રદબાતલ ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે આ ઇસ્લામિક પ્રથાને ઓગસ્ટમાં મનસ્વી અને ગેરબંધારણીય ગણાવી હતી.
ટ્રિપલ તલાક મુદ્દે મોદી સરકારના બિલ મામલે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે બેઠક બોલાવી
મોદી સરકાર સંસદના શિયાળુ સત્રમાં ટ્રિપલ તલાક મુદ્દે બિલ લાવી રહી છે. સરકારના આ પગલાંને લઇ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ૧૭મી ડિસેમ્બરે દિલ્હીમાં એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ નક્કી કરશે કે કેવી રીતે ટ્રિપલ તલાક મામલે આગળ વધવું. મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મહાસચિવ મૌલાના વલી રહેમાનીએ સમાચાર એજન્સીને કહ્યું હતું કે, મોદી સરકાર ટ્રિપલ તલાક મુદ્દે બિલ લાવી રહી છે. આ મુસ્લિમ મહિલાઓના સશક્તિકરણ માટે નહીં પરંતુ એક પ્રકારનું રાજકીય સ્ટેન્ડ છે. વલી રહેમાનીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક મુદ્દે જે નિર્ણય લીધો હતો તેમાં કાયદા બનાવવા મુદ્દે સાત જજોમાંથી પાંચ જજો વિરૂદ્ધમાં હતા. આ રીતે આ નિર્ણય અલ્પમતમાં હતો. આવા સમયે મોદી સરકાર આવા બિલ દ્વારા રાજનીતિ કરવા માગે છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર જે બિલ લાવી રહી છે તેના પર વિચારણા કરવા માટે ૧૭મી ડિસેમ્બરે દિલ્હીમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક યોજાશે. બેઠકમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડના તમામ જવાબદાર લોકો હાજર હશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાકને પ્રતિબંધિત કર્યા બાદ પણ ત્રણ તલાકના કિસ્સા સામે આવી રહ્યા છે. તેથી સરકારે આ અંગે કાયદો બનાવવા નક્કી કર્યું છે. સરકારે આ બિલ દ્વારા તલાક આપનારને સજા સહિત દંડની જોગવાઇ મુકી છે.