(એજન્સી) થિરૂવનંતપુરમ, તા.પ
ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા તબીબી સુવિધા અંગે કરેલી ટિપ્પણી બદલ કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયને તેમના પર આકરા પ્રહારો કર્યા છે. કેરળના સીએમે વધુમાં જણાવ્યું હતું કે, તે ખુશીની બાબત છે કે, યોગીએ તેમના પોતાના રાજ્યમાં મુશ્કેલીઓ હોવા છતાં કેરળ માટે સમય ફાળવ્યો. પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા વિશ્વાસ વ્યક્ત કરતાં વિજયન જણાવે છે કે, જો આદિત્યનાથ કેરળની મુલાકાત લેશે તો, યુપીની મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરવામાં તેમનામાં નવી શક્તિઓનો સંચાર થશે. પરંતુ મને ખાતરી છે કે, આ સમસ્યાઓનો અંત આવશે અને તેનો અંત લાવવા, તેમાંથી બહાર નીકળવા માટે હું મદદ કરીશ.
યોગી દ્વારા કેરળના બાળ મૃત્યુ દર અંગે કરવામાં આવેલી ટિપ્પણીની પ્રતિક્રિયા આપતા વિજયને કહ્યું કે, કેરળમાં બાળ મૃત્યુ દર ૧૦ છે, જ્યારે તેની રાષ્ટ્રીય સરેરાશનો આંકડો ૩૪ છે અને ઉત્તરપ્રદેશમાં તેનો આંકડો ૪૩ છે. ઉપરાંત તેમણે બાળ મૃત્યુ દર વિશે દેશને માહિતગાર કરવા માટે યુપીના સીએમનો આભાર માન્યો હતો અને રાજ્યના બીજેપી નેતાઓ દ્વારા આપવામાં આવતી ખોટી માહિતીઓને આધારે કોઈપણ નિવેદન આપવાથી દૂર રહેવું જોઈએ.
યુપીના સીએમ, ગઈકાલે બીજેપીની ‘જન રક્ષા યાત્રા’માં ભાગ લેવા માટે કન્નુર પહોંચ્યા હતા, જ્યાં તેમણે કથિતરૂપે જણાવ્યું હતું કે, કેરળમાં તબીબી સુવિધા ‘અપૂરતી’ છે તથા ડાબેરી પક્ષ રાજ્યમાં હિંસાને પ્રોત્સાહન આપી રહ્યું છે.