(એજન્સી) તિરૂવનંતપુરમ, તા. ૩
ઇઝાવા સમુદાય સાથે સંબંધ ધરાવનારા કેરળના મુખ્યમંત્રી પિનરઇ વિજયને ગુરૂવારે કહ્યું કે, લોકો તેમની જાતિ વિશે સતત વાતો કરે છે. કેટલાક લોકો હંમેશા મારી જાતિ યાદ અપાવે છે. તેઓ કહે છે કે, હું એક તાડી ઉતારનારનો પુત્ર છું અને મારે પણ તાડી ઉતારવાનું કામ જ કરવું જોઇએ. વિજયન એઝવા સમુદાય સાથે સંબંધ ધરાવે છે જેમનો પરંપરાગત ધંધો નારિયેળના ઝાડ પરથી તાડી ઉતારવાનો છે. રાજ્યમાં એઝવા સમુદાય અન્ય પછાત વર્ગમાં આવે છે અને તેમની વસ્તી અહીં ૨૮ ટકા છે. વિજયને ભાજપના મુખપત્ર જન્મભૂમિમાં તેમના વિરૂદ્ધ કાર્ટૂન છાપ્યું હતું જેમાં કાર્ટૂનમાં દેખાડાયું હતું કે, બે લોકો એકબીજા સાથે વાત કરે છે અને સબરીમાલા વિવાદમાં મહિલાઓની દિવાલની યોજના બનાવવા અંગે વિજયન વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગની ચર્ચા કરી રહ્યા છે. કેપ્શનમાં એમ પણ લખાયું હતું કે, જ્યારે નારિયેળના ઝાડ પર ચડનારા કોઇ શખ્સને સત્તા આપવામાં આવે તો આવું જ હાલ થાય.