નવી દિલ્હી તા. ૨

મધ્યપ્રદેશના ઉજ્જેન પ્રાંતના આરએસએસના નેતા કુંદન ચંદ્રાવતે એક ભડકાઉ ભાષણ આપીને જાહેરમાં એવી બડાઈ મારી કે ગોધરા ટ્રેન હત્યાકાંડમાં ૫૬ કારસેવકોની હત્યાનો બદલો લેવા  હિન્દુઓએ ગુજરાતમાં ૨૦૦૦ મુસ્લિમોની હત્યા કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે ચંદ્રાવતની વિવાદીત વાતને હાજર રહેલા લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.  ઉજ્જેનમાં સંઘ દ્વારા આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં બોલતાં તેમણે આગળ કહ્યુું કે જે કોઈ પણ કેરળના મુખ્યમંત્રી વિજયનનું માથું વાઢી લાવી આપશે તેને હું મારી સંપત્તિ વેચીને પણ એક કરોડનું ઈનામ આપીશ.  આક્રોશ સભામાં કુંદને મુખ્યમંત્રી વિજયન પર આકરા પ્રહારો પણ કર્યાં. તેમણે સંઘના નેતાની હત્યાનો દોષનો ટોપલો કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડીયા પર ઢોળ્યો. તેમણે કહ્યું કે ૩૦૦ સ્વંયવેસકોની હત્યાના દોષી તે ગદ્દાર એવું માની રહ્યાં છે કે હિન્દુઓના ખૂનમાં શિવાજી જેવું ગોરવ નથી. આરએસએસ પ્રચારક કુંદને કહ્યું કે હું આ મંચ પરથી એવી જાહેરાત કરૂ છું કે જે કોઈ પણ વિજયનુ માથું લાવી આવશે તેમને મારી સંપત્તિ વેચીને પણ એક કરોડનું ઈનામ આપીશ. પોતાના સંબોધનમાં કુંદને ગોધરા હત્યાંકાડનો પણ ઉલ્લેખ કર્યો.તેમણે કહ્યું કે ગોધરાકાંડને ભૂલી ગયા ૫૬ નિર્દોષ કારસેવકો માર્યા ગયા હતા. ૨ હજાર સ્મશાન ભેગા થઈ ગયાં. તેમણે આગળ કહ્યું કે ઈતિહાસ સાક્ષી છે કે હિન્દુઓએ ક્યારેય પણ હુમલો કર્યો નથી. પરંતુ જ્યારે જ્યારે ગદ્દારોએ હિન્દુઓ પર હુમલો કર્યો છે ત્યારે ત્યારે હિન્દુઓઓએ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે.  ઉજ્જેન મહાનગરના પ્રચારક આટલેથી પણ ન અટકતાં આગળ બોલ્યાં કે મોગલોને ભગાડ્યાં, હુગલોને પણ ભગાડ્યાં અને પારસીઓને પણ ભગાડ્યાં અને અંગ્રેજોને તો વળી મારી મારીને અહિંથી ભગાડી દેવામાં આવ્યાં. પરંતુ આપણી ધીરજની કસોટી કરવામાં આવી રહી છે. હવે આપણે માટે કોઈ સ્વંયસેવકની હત્યા થશે તો તેનો આકરો જવાબ આપવામાં આવશે. ચંદ્રાવતે આગળ કહ્યું કે તમે ૩૦૦ કારસેવકોની હત્યા કરી પરંતુ અમે ભારત માતાને ૩ લાખ લોકોની ખોપરીઓનો હાર ભેટમાં આપીશું. ચંદ્રાવતે જે કાર્યક્રમમાં આવી વિવાદીત વાત કરી તે સંઘ દ્વારા કેરળમાં થઈ રહેલા તેના નેતાઓની હત્યાના વિરોધમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ગત વર્ષની વિધાનસભાની ચૂંટણી બાદ સંઘ અને કેરળની ડાબેરી સરકાર વચ્ચે ઝકમક ઝરવાનું ચાલુ થયું હતું. ચંદ્રાવતની આવી વિવાદીત ટીપ્પણી રાજકીય દારૂગોળો બને તેવી સંભાવના છે. તેમનો વીડિયો વાઈરલ થતાં આરએસએસના નેતાએ આ ઘટના પર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે આ મારો અંગત અભિપ્રાય છે. ભગતસિંહ જેવી રીતે બ્રિટિશરો પર બોમ્બ ફેંકતા હતા તેવી રીતે મેં આવું વિસ્ફોટક નિવેદન આપ્યું. તેમને ખબર પડવી જોઈએ કે હિન્દુઓએ હાથમાં બંગડી પહેરી રાખી નથી. કુંદન ચંદ્રાવતે જે કાર્યક્રમમાં કેરળના મુખ્યમંત્રીનું માથું વાઢવાની અને ગુજરાતમાં મુસ્લિમોની હત્યા કરવાની શેખી મારી ત્યારે તેમાં ઉજ્જનના સાંસદ ચિંતામણી માલવીયા સહિત ભાજપ અને સંઘના સંખ્યાબંધ નેતાઓ હાજર હતા.  ભડકાઉ ભાષણ પર પેદા થયેલા વિવાદ પર ઠંડુ પાણી રેડતાં સાંસદ માલવિયાએ કહ્યું કે ચંદ્રાવત સંઘના કાર્યકરોની હત્યા પર તેમનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં છે અને તેમનું ભાષણ તેમની છુપાયેલી લાગણીનું પ્રતિબિંબ છે. કુંદન ચંદ્રાવતે ગુજરાત હત્યાકાંડની ૧૫ મી વરસીએ આવી ટીપ્પણી કરી છે જેમાં મોદી સહિતના સંખ્યાબંધ નેતાઓ આરોપીઓ છે. એક બાજુ સંઘના નેતાઓએ ખાનગીમાં વારંવાર મુસ્લિમોની સામૂહિક હત્યાની વ્યાજવી ઠેરવી છે પરંતુ પહેલી વાર સંઘના કોઈ નેતાએ જાહેરમાં મુસ્લિમોની હત્યાની વાત સ્વીકારી હોય. અને એવું કહ્યું હોય કે હિન્દુ સમૂદાયે આ વાતનું ગોરવ લેવું જોઈએ. આ મુદ્દે વિવાદ વધતાં સંઘે હાથ અદ્ધર કરતાં એવું જણાવ્યું કે આરએસએસ ચંદ્રાવતના વિચારો સાથે સંમત નથી અમે કદી પણ હિંસાને ઉત્તેજન આપતાં નથી, અમે ચંદ્રાવતની ટીપ્પણીને વખોડી કાઢીએ છીએ. પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આરએસએસે ૨૦૦૦ મુસ્લિમોની હત્યા કરવાનું કહેનાર ચંદ્રાવતની ટીપ્પણીને વખોડી નથી.